કચ્છમાં પિતાસમાન આદર ધરાવનારા લીલાધર ગડાલિખિત પુસ્તક ‘થઈ જશે’નું વિમોચન ૯ માર્ચે રવિવારે મુબંઈમાં થવાનું છે. પોતાના જીવનના અનુભવોને શબ્દબદ્ધ કરીને તેમણે આ પુસ્તક લખ્યું છે
લીલાધર ગડા
સમગ્ર કચ્છમાં લોકસેવાની અમૂલ્ય યાત્રા કરનાર અને કચ્છમાં પિતાસમાન આદર ધરાવનારા લીલાધર ગડાલિખિત પુસ્તક ‘થઈ જશે’નું વિમોચન ૯ માર્ચે રવિવારે મુબંઈમાં થવાનું છે. પોતાના જીવનના અનુભવોને શબ્દબદ્ધ કરીને તેમણે આ પુસ્તક લખ્યું છે. આ પ્રસંગે સુવિખ્યાત કવિ-સાહિત્યકાર સિતાંશુ યશશ્ચન્દ્ર, જ્ઞાનેશ ગાલા, અંગ્રેજી અનુવાદકર્તા સંતોષકુમાર દાસ, ડૉ. અનિલ તેન્ડુલકર હાજર રહેશે અને પોતાના ભાવ-પ્રતિભાવ વ્યક્ત કરશે. કચ્છી ભાષામાં અધાનો અર્થ પિતા થાય છે. પહેલાં મિત્રો માટે લીલાધર માણેક ગડાનું હુલામણું નામ અધા હતું જે અત્યારે સમગ્ર કચ્છમાં આદરવાચક બની ગયું છે. ૫૧ વર્ષથી તેઓ કચ્છમાં સમાજસેવા કરી રહ્યા છે અને છેલ્લાં પચીસ વર્ષથી, ખાસ કરીને ભૂકંપ પછીથી, અધા કચ્છમાં ધૂણી ધખાવીને બેઠા છે. કચ્છનું એવું કોઈ ગામ નહીં હોય જેની લીલાધર ગડાએ મુલાકાત ન લીધી હોય અને એવી કોઈ સમસ્યા નહીં હોય જેના વિશે તેમને જાણકારી ન હોય. લીલાધર ગડા માત્ર સેવાકાર્ય નથી કરતા, પ્રશ્નોની સરળ-ગંભીર શૈલીમાં છણાવટ પણ કરતા રહે છે. લોકસેવક દૃષ્ટિસંપન્ન પણ હોય અને ઉપરથી લેખક પણ હોય એવો ત્રિવેણી સંગમ ભાગ્યે જ જોવા મળે. તેઓ ‘પગ મેં ભમરી’ના ખંડોમાં સામાજિક પ્રશ્નોની છણાવટ કરતા રહ્યા છે અને હવે મિત્રોના આગ્રહથી તેમણે તેમની લોકસેવાની યાત્રા શબ્દબદ્ધ કરી છે જેનું તેમની કાર્યશૈલી અનુસાર શીર્ષક છે ‘થઈ જશે’.
પુસ્તકનું વિમોચન ૯ માર્ચે સાંજે ચાર વાગ્યે દાદર (સેન્ટ્રલ-રેલવે)માં આવેલી કિંગ જ્યૉર્જ હાઈ સ્કૂલના બી. એન. વૈદ્ય સભાગૃહમાં થશે જેમાં સર્વશ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર, જ્ઞાનેશ ગાલા, અંગ્રેજી અનુવાદકર્તા સંતોષકુમાર દાસ, ડૉ. અનિલ તેન્ડુલકર વક્તવ્ય આપશે. પ્રત્યક્ષ હાજર રહીને કચ્છના પિતા સમાન લોકસેવકને બિરદાવવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે.

