પોતાની પાર્ટીના નેતાને રાયગડના પાલક પ્રધાન બનાવવાની માગણી વિશે એકનાથ શિંદેએ કહ્યું... નારાજ થઈને ગામ આવ્યા હોવાની વાત નાયબ મુખ્ય પ્રધાને ફગાવી
એકનાથ શિંદે
મહાયુતિ સરકારમાં શુક્રવારે પાલક પ્રધાનોની યાદી જાહેર કરવામાં આવી હતી. નાશિક અને રાયગડમાં એકનાથ શિંદેના નેતા દાદા ભુસે અને ભરત ગોગાવલેને પાલક પ્રધાન ન બનાવાતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નારાજ થઈ ગયા છે એટલે તેઓ તેમના વતન દરેગાવ ગયા હોવાનું ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું.
જોકે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દરેગાવથી કહ્યું હતું કે ‘પાલક પ્રધાનની નિયુક્તિ વિશે મારું કહેવું છે કે ભરત ગોગાવલેએ રાયગડમાં ઘણાં વર્ષથી કામ કર્યું છે એટલે તો અપેક્ષા રાખવામાં ખોટું શું છે? સરકારે અત્યારે નાશિક અને રાયગડના પાલક પ્રધાનની જાહેરાત સ્થગિત કરી છે. મહાયુતિમાં અમે ત્રણેય નેતા બેસીને નિર્ણય લઈશું. આથી નારાજ હોવાનું કોઈ કારણ નથી. બીજું, જ્યારે પણ હું મારા વતન દરેગાવ આવું છું ત્યારે કેટલાક લોકો હું નારાજ હોઉં છું ત્યારે ગામ જાઉં છું એવું કહે છે. તેમને મારે કહેવું છે કે નારાજગી જેવું કંઈ નથી. જિલ્લાની કાયાપલટ કરવાની સાથે પર્યટનના વિકાસ માટે અહીં ચાલી રહેલાં કામ જોવા માટે આવ્યો છું. અહીંનાં ૨૩૫ ગામમાં પર્યટનના વિકાસ માટેનો પ્રોજેક્ટ બનાવવા આવ્યો છું.’
ઉલ્લેખનીય છે કે નાશિકમાં શિવસેનાના સ્થાનિક નેતા દાદા ભુસે અને રાયગડમાં ભરત ગોગાવલેને પાલક પ્રધાન બનાવવાની અપેક્ષા હતી. સરકારે નાશિકમાં ગિરીશ મહાજન અને રાયગડમાં અદિત તટકરેના નામની પાલક પ્રધાન તરીકે જાહેરાત કરી હતી. આથી બન્ને જગ્યાએ શિવસેનાના સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો હતો.