પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેયનાં મૃત્યુ કેવી રીતે થયાં એ જાણી શકાશે
નેહરોલી ગામમાં આવેલા ઘરમાંથી મુકુંદ રાઠોડ, તેમનાં પત્ની કંચન અને પુત્રી સંગીતાના મૃતદેહ મળી આવ્યા હતા.
મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નેહરોલી ગામમાંથી શુક્રવારે મુકુંદ રાઠોડ, તેમનાં પત્ની કંચન રાઠોડ અને પુત્રી સંગીતા રાઠોડના કોહવાઈ ગયેલા મૃતદેહ તેમના બંધ ઘરમાંથી મળી આવ્યા હતા. રાજકોટથી પચીસેક વર્ષ પહેલાં વાડા આવીને વસનારા મુકુંદ રાઠોડ નિવૃત્ત હતા. તેમનો પંકજ નામનો પુત્ર વિરારમાં તો સુહાસ નામનો પુત્ર રાજકોટમાં રહે છે. પિતા, મમ્મી અને બહેનનો સંપર્ક નહોતો થતો એટલે સુહાસ તેના વિરારમાં રહેતા ભાઈને લઈને વાડાના નેહરોલી ગામમાં આવેલા ઘરે પહોંચ્યો હતો. ઘર બહારથી બંધ હતું અને તેમણે ખોલ્યા બાદ ઘરમાંથી ત્રણેયના કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. ઘરના ઉપરના ભાગમાં આવેલા માળિયામાં એક ઉત્તર ભારતીય પરિવારને ભાડા પર રાખવામાં આવ્યો હતો. જોકે આ પરિવાર થોડા મહિના પહેલાં જતો રહ્યો હતો. આમ છતાં આ કેસની તપાસ કરી રહેલી વાડા પોલીસને ભાડૂત પર શંકા છે.
વાડા પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ દત્તાત્રય કિન્દ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવ ગુમાવનારા મુકુંદ રાઠોડ નિવૃત્ત હતા એટલે તેમની કોઈ આવક નહોતી. આથી પુત્રો તેમને અમુક સમય બાદ રૂપિયા આપી જતા હતા. આ મહિનાના બીજા અઠવાડિયે વિરારમાં રહેતો પુત્ર પંકજ રૂપિયા આપીને ગયો હતો. ૧૭ ઑગસ્ટથી આ પરિવાર ઘરની બહાર જોવા નહોતો મળ્યો. આસપાસના લોકોની પૂછપરછમાં જણાયું છે કે એક પરિવારને રહેવા માટે માળિયું ભાડે આપ્યું હતું. આ પરિવાર થોડા સમય પહેલાં અહીંથી જતો રહ્યો હતો. ટ્રિપલ મર્ડરમાં શંકાની સોય અત્યારે આ ભાડૂત પર છે. જોકે અમે બીજા ઍન્ગલથી પણ તપાસ કરી રહ્યા છીએ. સંગીતા રાઠોડની માનસિક સ્થિતિ સારી નહોતી અને તે પંદર વર્ષથી છૂટાછેડા લઈને માતા-પિતા સાથે રહેતી હતી.મા-દીકરીના મૃતદેહ પતરાની પેટીમાંથી તો મુકુંદ રાઠોડનો મૃતદેહ ઘરની અંદરના પૅસેજમાંથી મળ્યો હતો. ત્રણેયના મૃત્યુનો પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમનાં મૃત્યુનું કારણ જાણી શકાશે.’