સાઇબર ફ્રૉડ કરનારાઓનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જઈ રહ્યું છે અને એની સાથે છેતરપિંડી કરવા માટેની નવી-નવી પદ્વતિઓ શોધાઈ રહી છે. હવે બેનામી પત્ર મોકલીને નવા પ્રકારની છેતરપિંડી શરૂ થઈ છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : સાઇબર ફ્રૉડ કરનારાઓનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જઈ રહ્યું છે અને એની સાથે છેતરપિંડી કરવા માટેની નવી-નવી પદ્વતિઓ શોધાઈ રહી છે. હવે બેનામી પત્ર મોકલીને નવા પ્રકારની છેતરપિંડી શરૂ થઈ છે. એક અજાણી સ્ત્રી લોકોનાં ઘરોમાં જાય છે અને એક પત્ર હાથમાં આપે છે. લોકો પત્ર ખોલીને તેમની જાળમાં ફસાઈ જાય એવી આ આખી કાર્યપદ્ધતિ છે. વિરારમાં એક યુવતી સાથે આ નવી પદ્વતિથી સાડાત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
છેતરપિંડીનો ભોગ બનનારી ફરિયાદીની ઉંમર ૧૮ વર્ષની છે અને તે કૉલેજની વિદ્યાર્થિની છે. ૧૭ જુલાઈએ તે ઘરે હતી ત્યારે એક અજાણી મહિલા તેના ઘરે આવી હતી. ફરિયાદીએ દરવાજો ખોલતાંની સાથે જ અજાણી મહિલાએ તેને એક બેનામી એન્વલપ હાથમાં આપ્યું હતું અને તરત જ નીકળી ગઈ હતી. આ પૅકેટ પર ફરિયાદીનું નામ અને સરનામું હોવાથી યુવતીએ પૅકેટ ખોલ્યું હતું. એમાં એક પત્રમાં સ્ક્રૅચ કૂપન હતી. પત્રમાં લખ્યું હતું કે જો તમે એને સ્ક્રૅચ કરશો તો તમને સાડાછ લાખ રૂપિયાનું ઇનામ મળશે. એની નીચે એક નંબર હતો. એથી યુવતીએ પણ ઉત્સુકતાથી કૂપનને સ્ક્રૅચ કરીને પત્ર પરના નંબર પર સંપર્ક કર્યો હતો. અમે મિશો કંપનીમાંથી બોલીએ છીએ એવું કહીને તેમણે યુવતીને અભિનંદન આપતાં કહ્યું હતું કે તમે સાડાછ લાખ રૂપિયાનું ઇનામ જીત્યાં છે તેમ જ તેણે એ પણ માહિતી આપી કે ઇનામની રકમ તમારા ખાતામાં મોકલવામાં આવશે. આમ યુવતી તે ફ્રૉડસ્ટરની જાળમાં ફસાઈ ગઈ અને તેની વાતો પર વિશ્વાસ કરતી ગઈ હતી, પરંતુ ઇનામની રકમ આપવાના નામે વિવિધ ચાર્જ પેટે તેની પાસેથી સાડાત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. તેણે આ રકમ ચાર અલગ-અલગ બૅન્ક-ખાતાંમાં ચૂકવી હતી, પરંતુ ફ્રૉડ દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો કે તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોવાથી રકમ મોકલવામાં સમસ્યા થઈ રહી છે. એથી તેણે થોડા દિવસ સુધી રાહ જોઈ, પરંતુ તેના સંપર્કમાં રહેલા મિશો કંપનીના ચારેય લોકોના ફોન સ્વિચ્ડ-ઑફ થઈ ગયા હતા. એથી યુવતીને તેની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં તેણે શનિવારે રાતે વિરાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ છેતરપિંડી ૧૭થી ૨૦ જુલાઈ સુધીના ચાર દિવસમાં થઈ હતી. એમ છતાં યુવતી પૈસા પાછા આવશે એ આશા રાખીને બેઠી હતી. વિરાર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દત્તાત્રય નાગરગોજના કહેવા પ્રમાણે આ બાબતની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
મને મૂર્ખ બનાવવામાં આવી
યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘મારા ઘરે પૅકેટ લઈને આવનાર મહિલાને હું ઓળખતી નથી, પરંતુ એ પૅકેટ પર મારું નામ અને સરનામું હતાં. મને લાગ્યું કે કોઈએ પત્ર મોકલ્યો છે એથી મેં એ લીધો હતો. તે મહિલા તરત જ નીકળી ગઈ હતી. હું તેમની જાળમાં ફસાઈ ગઈ હતી. મારી પાસે પૈસા ન હોવાથી મેં મારા પિતા પાસેથી પૈસા લીધા હતા. મેં તેમને આ વાત કહી નહોતી. મને મૂર્ખ બનાવવામાં આવી હતી.’