સવારના ૧૧.૩૦ વાગ્યા સુધી ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાયેલું રહ્યું હતું
દાદર અને પરેલ સ્ટેશન વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર સિગ્નલમાં પ્રૉબ્લેમ થતાં ટ્રૅક પર ચાલીને જઈ રહેલા પ્રવાસીઓ (તસવીર : સતેજ શિંદે)
સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે દાદર અને માટુંગા વચ્ચે સીએસએમટી તરફ જતા ફાસ્ટ ટ્રૅક પરની સિગ્નલ સિસ્ટમમાં ટેક્નિકલ ફૉલ્ટ થતાં મુંબઈગરાએ પીક-અવર્સમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એકની પાછળ એક ટ્રેનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. અનેક લોકોએ તો ટ્રેનો લાંબો સમય એક જ જગ્યાએ ઊભી રહેતાં નોકરી-ધંધે સમયસર પહોંચવા ટ્રૅક પર ઊતરીને આગળના સ્ટેશન સુધીની પદયાત્રા કરવી પડી હતી. જોકે એમાં મહિલાઓની હાલત કફોડી થઈ ગઈ હતી. મોટા ભાગની મહિલાઓએ ટ્રેનમાં જ બેસી રહેવાનું પસંદ કર્યું હતું. અનેક ટ્રેનો મોડી પડી હતી અને લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓએ પણ હાડમારીનો ભોગ બનવું પડ્યું હતું. ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. એથી સવારના ૧૧.૩૦ વાગ્યા સુધી ટ્રેનોનું ટાઇમટેબલ ખોરવાયેલું રહ્યું હતું.