સવારે વરલી સી-ફેસ પર ટેક્નો કંપનીની સીઈઓને પાછળથી આવેલી કારે અડફેટે લીધી : હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામી
વરલી સી-ફેસમાં વરલી ડેરી પાસે અકસ્માત થયો હતો
જાન્યુઆરી મહિનામાં મુંબઈમાં આયોજિત મુંબઈ તાતા મૅરથૉનમાં સહભાગી થયેલી ટેક્નો કંપનીની ૩૮ વર્ષની મહિલા સીઈઓએ ગઈ કાલે સવારના વરલી સી-ફેસ પર કારે અડફેટે લેવાથી જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે સવારના વરલી સી-ફેસ પર પૂરપાટ જઈ રહેલી કારે રસ્તામાં રનિંગ કરી રહેલી એક મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો.
ADVERTISEMENT
પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલી મહિલા ૫૮ વર્ષની રાજલક્ષ્મી રાજ રામક્રિશ્નન છે, જે દાદરમાં રહે છે. સવારના ૬.૦૦ વાગ્યે તે વરલી સી-ફેસ પર રનિંગ કરી રહી હતી ત્યારે કારે તેને પાછળથી અડફેટે લીધી હતી. આ મહિલા એક ટેક કંપનીની સીઈઓ પણ હતી. અકસ્માત બાદ કાર દીવાલ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચલાવી રહેલા ૨૩ વર્ષના સુમેર ધર્મેશ મર્ચન્ટને પણ ઈજા થઈ હતી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
રેગ્યુલર રનર હતી
વરલી પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલી રાજલક્ષ્મી ક્રિષ્નન દાદરમાં રહેતી હતી અને તે અલટ્રુઇસ્ટ ટેક્નૉલૉજીસ કંપનીની સીઈઓ હતી. આ સિવાય તે શિવાજી પાર્કના જૉગર્સ ગ્રુપની મેમ્બર હતી અને મૅરથૉનમાં પણ સહભાગી થતી હતી. આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ યોજાયેલી મુંબઈ તાતા મૅરથૉનમાં પણ તે દોડી હતી. અકસ્માત નજરે જોનારાઓનું કહેવું છે કે કાર વધુ પડતી સ્પીડમાં હતી એટલે આ અકસ્માત થયો હતો. અમે આ બાબતે તપાસ શરૂ કરી છે. સવારના સમયે આ ઍક્સિડન્ટ થયો છે એટલે કારચાલક યુવક દારૂના નશામાં હતો કે કેમ એ પણ જોવામાં આવશે.’