બન્નેને મળ્યું ૪૩-૪૩ લાખ રૂપિયાનું ઇનામઃ પહેલી વાર ઇરિટ્રિયાનો ઍથ્લીટ મુંબઈ મૅરથૉન જીત્યોઃ ભારતીયોમાં પુરુષોમાં અનિશ થાપા અને મહિલાઓમાં નિરમા ઠાકોર બન્યાં વિજેતા
બેરહેન ટેસ્ફે, જૉયસ ચેપકેમોઈ ટેલી, અનિશ થાપા
મુંબઈ મૅરથૉનમાં ઇરિટ્રિયાના બેરહેન ટેસ્ફે મેન્સ એલિટ કૅટેગરીમાં અને કેન્યાની ચેપકેમોઇ ટેલી વિમેન્સ એલિટ કૅટેગરીમાં વિજેતા રહ્યાં હતાં. બેરહેન ટેસ્ફેએ ૪૨.૧૯૫ કિલોમીટરનું અંતર બે કલાક ૧૧ મિનિટ અને ૪૪ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું, જ્યારે ચેપકેમોઇ ટેલીને આ અંતર કાપવા માટે બે કલાક ૨૪ મિનિટ અને ૫૬ સેકન્ડનો સમય લાગ્યો હતો. ટેસ્ફેનો આ પહેલો ફુલ મૅરથૉન ખિતાબ છે.
મેન્સ એલિટ કૅટેગરી
ADVERTISEMENT
આ કૅટેગરીમાં ઇરિટ્રિયાનો બેરહેન ટેસ્ફે વિજેતા રહ્યો હતો. એના જ દેશનો મેરહાવી કેસેટે બે કલાક ૧૧ મિનિટ અને ૫૦ સેકન્ડના ટાઇમ સાથે બીજા નંબરે રહ્યો હતો. ઇથિયોપિયાના ટેસ્ફાયે ડેમેકેએ બે કલાક ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ સાથે મૅરથૉન પૂરી કરીને ત્રીજા સ્થાને રહ્યો હતો.
મુંબઈ મૅરથૉનમાં લેખક અને ગીતકાર ગુલઝારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનસિક અક્ષમ બાળકો સાથે દોડીને તેમનો જુસ્સો વધાર્યો હતો.
(તસવીર : શાદાબ ખાન અને સતેજ શિંદે)
વિમેન્સ એલિટ કૅટેગરી
વિમેન્સ એલિટ કૅટેગરીમાં જૉયસ ચેપકેમોઈ ટેલી વિજેતા રહી હતી. બાહરિનની શિતાયે એશેતેએ બે કલાક પચીસ મિનિટ અને ૨૯ સેકન્ડમાં આ અંતર પૂરું કરી બીજો ક્રમાંક મેળવ્યો હતો. ઇથિયોપિયાની મદીના ડેમે આર્મિનોએ બે કલાક ૨૭ મિનિટ અને ૫૮ સેકન્ડમાં આ અંતર પૂર્ણ કરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
ઇન્ડિયન મેન્સ કૅટેગરી
ઇન્ડિયન મેન્સ કૅટેગરીમાં અનિશ થાપાએ બે કલાક ૧૭ મિનિટ અને ૨૩ સેકન્ડમાં મૅરથૉન પૂર્ણ કરી હતી. બીજા ક્રમાંકે આવેલા માન સિંહે આ મૅરથૉન બે કલાક ૧૭ મિનિટ ૩૭ સેકન્ડમાં પૂરી કરી હતી. ગોપી થોનાકલ ત્રીજા સ્થાને રહ્યો હતો અને તેણે આ મૅરથૉન બે કલાક ૧૭ મિનિટ અને ૫૯ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
મહિલા કૅટેગરીમાં પહેલું સ્થાન નિરમા ઠાકોરને મળ્યું હતું. તેમણે આ મૅરથૉન બે કલાક ૫૦ મિનિટ અને ૬ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
નેહા ધૂપિયા
હાફ મૅરથૉન-મેન્સ કૅટેગરી
હાફ મૅરથૉનમાં મેન્સ કૅટેગરીમાં સાવન બરવાલ એક કલાક ૪ મિનિટ અને ૩૭ સેકન્ડમાં ૨૧ કિલોમીટરનું અંતર કાપી પહેલા ક્રમાંકે રહ્યો હતો. હરમનજોત સિંહ એક કલાક ૬ મિનિટ અને ૩ સેકન્ડમાં હાફ મૅરથૉન પૂર્ણ કરીને બીજા ક્રમાંકે રહ્યો હતો. કાર્તિક કરકેરાએ આ અંતર એક કલાક ૭ મિનિટ અને ૨૦ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને તે ત્રીજા ક્રમાંકે રહ્યો હતો.
હાફ મૅરથૉન-વિમેન્સ કૅટેગરી
હાફ મૅરથૉનમાં મહિલાઓ માટેની કૅટેગરીમાં સ્ટાન્ઝીન ડોલકરે એક કલાક પચીસ મિનિટ ૫૧ સેકન્ડમાં આ અંતર પૂરું કરીને પહેલો ક્રમાંક મેળવ્યો હતો. બીજી તરફ સ્કર્મા ઇડૉન્ગ લૅન્ઝે એક કલાક ૨૭ મિનિટ અને ત્રણ સેકન્ડમાં આ અંતર પૂર્ણ કરીને બીજો ક્રમાંક મેળવ્યો હતો. તાશી લાડોને એક કલાક ૨૯ મિનિટ અને ૩૦ સેકન્ડમાં હાફ મૅરથૉન પૂરી કરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
સનદી અધિકારી ઇકબાલ સિંહ ચહલનો અનોખો રેકૉર્ડ મુંબઈ મૅરથૉનની તમામ ૨૦ એડિશનમાં હાફ મૅરથૉન પૂર્ણ કરી
ગઈ કાલે મૅરથૉન પૂરી કર્યા બાદ ઇકબાલ સિંહ ચહલ (ડાબે)
મુંબઈ સુધરાઈના ભૂતપૂર્વ કમિશનર અને હાલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની ઑફિસમાં ઍડિશનલ ચીફ સેક્રેટરીપદે કાર્યરત સનદી અધિકારી ઇકબાલ સિંહ ચહલે મુંબઈ મૅરથૉનની તમામેતમામ ૨૦ એડિશનમાં ભાગ લેવાનો અને તમામમાં હાફ મૅરથૉન પૂર્ણ કરવાનો અનોખો રેકૉર્ડ કર્યો છે. ગઈ કાલે પણ તેમણે ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉન બે કલાક ૨૦ મિનિટ ૨૧ સેકન્ડમાં પૂરી કરી હતી. હાફ મૅરથૉન માહિમ ચર્ચ જંક્શન પાસેના ઉર્સ ગ્રાઉન્ડથી શરૂ થાય છે.
મુંબઈના કમિશનરપદે તેમની નિમણૂક ૨૦૨૦ની ૮ મેએ કરવામાં આવી હતી અને તેમણે ચાર વર્ષ સુધી આ પદે કામ કર્યું હતું અને કોવિડ-19 વખતે તેમણે નેત્રદીપક કામગીરી બજાવી હતી.