Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વીસમી મુંબઈ મૅરથૉનના સરતાજ છે આ ગુજરાતી

વીસમી મુંબઈ મૅરથૉનના સરતાજ છે આ ગુજરાતી

Published : 17 January, 2025 08:53 AM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

રવિવારે ૪૨.૧૯૫ કિલોમીટરની ફ‍‍‍‍‍ુલ મૅરથૉન દોડનારા ૧૨,૧૬૭ લોકોમાં સૌથી મોટી ઉંમરના છે ૮૦ વર્ષના રણધીર ચૌહાણ : મુંબઈમાં જન્મેલા અને ગુજરાત જઈને પોલીસ બનેલા રણધીરભાઈની આ ૧૦૧મી દોડ છે

રણધીર અમૃતલાલ ચૌહાણ

રણધીર અમૃતલાલ ચૌહાણ


જિંદગી જેમ પડકાર ફેંકતી વખતે ઉંમર સામે નથી જોતી એમ ક્યારેક પડકાર ઝીલનાર માણસ પણ ઉંમરનો પોરો ખાવાનું મંજૂર નથી રાખતો. આવી જ એક દાસ્તાન છે જન્મે મુંબઈના પણ કેટલાંક વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા ૮૦ વર્ષના રણધીર અમૃતલાલ ચૌહાણની. હાલ રિટાયર્ડ લાઇફ જીવતા રણધીરભાઈ વિશ્વભરની લગભગ ૧૦૦ જેટલી મૅરથૉન દોડી ચૂક્યા છે. ફુલ અને અલ્ટ્રા મૅરથૉન થઈને કુલ ૬૬ અને ૩૪ હાફ મૅરથૉન તેઓ દોડ્યા છે. રવિવારની મુંબઈ મૅરથૉનમાં તેઓ ૧૦૧મી મૅરથૉન દોડશે. આ વિશે વિસ્તારથી વાત કરતાં રણધીરભાઈ કહે છે, ‘મારે વર્ષના ૬ મહિના ભારત અને બાકીના ૬ મહિના અમેરિકા રહેવાનું થાય છે. મેં ન્યુ યૉર્કમાં ઘણી મૅરથૉન જોઈ. મન થયું કે ચાલને હું પણ ભાગ લઉં. ૨૦૦૭માં મેં રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યારે પગમાં ઈજા થઈ હતી એટલે ન્યુ યૉર્કમાં દોડી નહોતું શકાયું, પણ પછી ૨૦૧૦માં અમદાવાદમાં પહેલી મૅરથૉન દોડીને કટ ઑફ ટાઇમની ૨૦ સેકન્ડ પહેલાં એ દોડ પૂરી કરી હતી અને છતાં હું પ્રથમ આવેલો. ખબર છે કેમ? એ દોડમાં મારા એજ-ગ્રુપમાં દોડનાર હું એકમાત્ર હતો. એ પછી અમદાવાદની મૅરથૉનમાં સતત ૪ વર્ષ ફર્સ્ટ આવેલો.’


પિતાની અધૂરી ઇચ્છા બની મોટિવેશન



સાતેક વર્ષના હતા ત્યાં સુધી મુંબઈમાં ચોપાટીમાં રહેલા રણધીરભાઈ ત્યાર બાદ ગુજરાતમાં રહ્યા છે અને ત્યાં પોલીસ-ફોર્સમાં તેમણે કામ કર્યું છે. રણધીરભાઈએ મૅરથૉનમાં દોડવાનું શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર ૬૭ વર્ષ હતી એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું લગભગ પચાસેકનો હતો ત્યારે વજન ૯૦ કિલો હતું. વધારે વજનને લીધે મેં દોડવાનું શરૂ કરેલું. મેં મારી જાતને સજા આપેલી કે જ્યારે પણ ટીવી જોવું હોય ત્યારે ખુરસી પાછળ ઊભા રહીને સ્ટેશનરી જૉગિંગ કરવાનું. બે-ત્રણ કલાક જેટલો સમય આમ જ ચાલતું. પછી બહાર જવાનું શરૂ કરી રોજના બે કલાક આપતો. મારા પપ્પાની ઇચ્છા હતી કે તેઓ પોતે ઍથ્લીટ બને. તેઓ મોરબી ક્રિકેટ ટીમના કૅપ્ટન હતા. તેઓ નાની ઉંમરે વિનુ માંકડ સાથે રમ્યા હતા. ફૅમિલીને લીધે તેમણે પોલીસ ફોર્સમાં જૉઇન થવું પડ્યું. મારા પિતાનું અધૂરું સપનું પૂરું કરવા માટે હું ૧૦૦મી મૅરથૉન દોડ્યો. આ વખતની મુંબઈ મૅરથૉન મારી ૧૦૧મી મૅરથૉન હશે. મુંબઈ મૅરથૉનમાં આ મારી નવમી મૅરથૉન છે. ગયા વર્ષે હર્નિયાનું ઑપરેશન થયેલું એટલે રજિસ્ટ્રેશન કરાવેલું છતાં દોડી નહોતો શક્યો.’


ટેરેસ પર ટ્રેઇનિંગ

રણધીરભાઈ ઑપરેશનને લીધે દરરોજ બહાર જૉગિંગ નથી કરી શકતા, પણ ફિટ રહેવા માટે પ્રૅક્ટિસ કરવાનુંય નથી ચૂકતા. તેઓ કહે છે, ‘હું મારા અપાર્ટમેન્ટમાં અને ટેરેસ પર રોજ દોડું છું. એક વખત મુંબઈ મૅરથૉન હતી. એમાં ડેટ ચેન્જ થયેલી એટલે હું ન આવી શક્યો એટલે મેં ચાર કલાકમાં હાફ મૅરથૉન ઘરમાં ને ઘરમાં પૂરી કરેલી. એમાં ૫૦ ડગલાંના રાઉન્ડ લઈને ઘરમાં જ બીપનું કાઉન્ટ થયેલું. અત્યારે જે મૅરથૉન છે એમાં મારા એજ-ગ્રુપના એકબે જણ જ ભાગ લે છે. મારા ખ્યાલથી આખા ઇન્ડિયામાં આ ઉંમરમાં મૅરથૉન પૂરી કરનારો કદાચ હું એક જ છું. બીજા એક ઍરફોર્સના ડૉક્ટર રૉય છે. અત્યાર સુધી મારે ૬ કલાકની સ્પીડ આવે છે. ગયા વર્ષે પાંચ કલાક ને ચાલીસ મિનિટમાં પૂરી થયેલી.’


મોસ્ટ મેમરેબલ મૅરથૉન્સ

પોતાની અમુક યાદગાર મૅરથૉન વિશે વાત કરતાં રણધીરભાઈ કહે છે, ‘એક વખત હવાઈમાં મૅરથૉન કરેલી. ૩૬ કિલોમીટરની રેસ હતી. એમાં પિંડીમાં એટલો બધો દુખાવો શરૂ થયો અને લાગ્યું કે હવે આગળ નહીં વધાય. મેં બસ મગાવી. બસમાં ચડ્યો એટલે એક જણે એક એનર્જી ડ્રિન્ક આપ્યું એ પછી દુખાવો ગાયબ અને સાતેક મિનિટમાં જ દોડ પૂરી કરી. બીજી આવી એક રેસ શિકાગોમાં થયેલી. હું ટ્રેનમાં વૉશિંગ્ટનથી શિકાગો ગયો. ટ્રેન ૬ કલાક લેટ હતી. મારી સાથે બીજા દેશના લોકો પણ મૅરથૉન માટે આવ્યા હતા. એમાંના ઘણા લોકો દોડનારા હતા. ઑથોરિટીને રિક્વેસ્ટ કરી કે જો ૧૨ વાગ્યે ટ્રેન પહોંચે તો અમારે ૪ વાગ્યે દોડવાનું હોય તો બધા મટીરિયલની અરેન્જમેન્ટ ત્યાં સ્ટેશન પર જ કરાવે. તેમણે માણસ મોકલીને બધી સગવડ કરાવી અને અંતે અમે ત્યાંથી દોડવાનું શરૂ કર્યું.’

ભારત અને વિદેશી મૅરથૉનનો ભેદ જણાવતાં રણધીરભાઈ આગળ કહે છે, ‘ન્યુ યૉર્કમાં મૅરથૉનમાં ભાગ લીધેલો ત્યારે મને એમ કે અમદાવાદમાં આપણે પ્રથમ આવીએ છીએ તો અહીં ટૉપ 25માં તો હોઈશું જ. પણ પછી જોયું કે અહીં ૫૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો, જ્યાં મારી ઉંમરના ૨૦૦ લોકો હતા અને મારો આવ્યો ૧૦૨મો નંબર. ભારતમાં હજીયે લાગે છે કે મારી ઉંમરનો હું એક જ છું. મુંબઈમાં તો પણ પાંચ-દસ લોકો તો હોય જ છે. એમાં ગુજરાતી તો લગભગ કોઈ નથી.’

ખાસ તમારા માટેઃ

૧૯ જાન્યુઆરીની તાતા મુંબઈ મૅરથૉનમાં તમે દોડવાના છો?

શું આ તમારી માઇલસ્ટોન મૅરથૉન છે? મતલબ કે એ તમારી ૧૦૦, ૧૨૫ કે ૧૫૦મી કે એથી વધુ નંબરની મૅરથૉન છે?

શું તમે શારીરિક પડકારોનો સામનો કર્યો છે? મતલબ કે બાયપાસ સર્જરી, લિવર કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે પછી કૅન્સર જેવા કોઈ ઘાતક રોગને માત આપ્યા પછી મૅરથૉન દોડવાનું બીડું ઝડપ્યું છે? 

શું કોઈ શારીરિક અક્ષમતા પછી પણ તમે મૅરથૉન હૉબી ખાતર નહીં પણ પૅશન સાથે દોડો છો?

તો મિડ-ડેને તમારું નામ, મોબાઇલ નંબર અને વિગતો લખીને મોકલો : gujmid@gmail.com

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2025 08:53 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK