જ્યારે જેઆરડી તાતાનું નિધન થયું ત્યારે રતન તાતાનો મત હતો કે પ્લાન્ટ બંધ ન થવો જોઈએ, કારણ કે એથી દેશનું નુકસાન થાય.
રતન તાતાની ફાઇલ તસવીર
રતન તાતાનું બુધવારે મોડી રાતે નિધન થયા બાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે એક બાજુ તેમના અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ પિંપરીમાં આવેલા તાતા મોટર્સના પ્લાન્ટના કર્મચારીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા ફૅક્ટરીમાં કામ કરી રહ્યા હતા. આમ ગુરુવારે પણ તાતાનો પ્લાન્ટ ચાલુ જ રહ્યો હતો. પિંપરી પ્લાન્ટમાં ૫૫૦૦ કામદારો કામ કરે છે.
તાતા મોટર્સ એમ્પ્લૉઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી અજિત પાયગુડેએ કહ્યું હતું કે ‘જ્યારે જેઆરડી તાતાનું નિધન થયું ત્યારે રતન તાતાનો મત હતો કે પ્લાન્ટ બંધ ન થવો જોઈએ, કારણ કે એથી દેશનું નુકસાન થાય. આ જ કારણસર રતન તાતાને શ્રદ્ધાંજલિ આપતાં ગુરુવારે પણ પ્લાન્ટ ફુલફ્લેજ્ડ ચાલુ રાખવામાં આવ્યો હતો. દરેક કર્મચારી તેમના નિધનથી શોકમાં હતો છતાં તેમણે બધાએ કામ કરી તેમને અનોખી અંજલિ આપી હતી. અમે ગઈ કાલે પ્લાન્ટમાં જ નાની શોકસભાનું આયોજન કર્યું હતું. ઘણા બધા કર્મચારીઓ ગુરુવારે તેમની અંતિમ વિધિમાં હાજરી આપવા મુંબઈ ગયા હતા. બીજું, રતન તાતા જ્યારે પણ પિંપરીના પ્લાન્ટ પર આવતા ત્યારે ખાસ યુનિયન લીડરને મળતા, તેઓ યુનિયનને હંમેશાં માન આપતા.’
ADVERTISEMENT
ભારતના રત્નને હીરે મઢીને આપી અનોખી શ્રદ્ધાંજલિ
સુરતના આર્કિટેક્ટ વિપુલ જેપીવાલાએ રતન તાતાનો હીરાથી ચહેરો બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. આ પહેલાં વિપુલ જેપીવાલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩મા જન્મદિવસે તેમનું ૭૨૦૦ હીરાથી મઢેલું પોર્ટ્રેટ બનાવ્યું હતું.
માતાનાં ચરણોમાં ભારતના રત્નને શ્રદ્ધાંજલિ
મહારાષ્ટ્રના કરાડમાં હિન્દુતેજ નવરાત્રિ ઉત્સવ મંડળે રેણુકામાતાની ફૂલોની રંગોળી બનાવીને એમાં રતન તાતાનો ફોટો મૂકીને ભારતના રત્નને શ્રદ્ધાંજલિ આપી હતી.