આ રીતે ૧૦થી વધુ ઇન્શ્યૉરન્સ એજન્ટ્સે ૧૧૨૯ પૉલિસીધારકોને છેતર્યા ઃ ઇન્ટર્નલ ઑડિટમાં છેતરપિંડી સામે આવતાં ઇન્શ્યૉરન્સ કંપનીની પોલીસ-ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ મુંબઈ સહિત આખા રાજ્યમાં ૧૦થી વધુ ઇન્શ્યૉરન્સ એજન્ટ્સના ગ્રુપે ૧૧૨૯ પૉલિસીધારકોને છેતર્યા હોવાની ઘટના બન્યા બાદ તાતા એઆઇજી જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીએ મુંબઈ પોલીસને ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં કંપનીને આશરે ૧.૫૩ કરોડ રૂપિયાનું નુકસાન ગયું હોવાનું સામે આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલા ઇન્ટર્નલ ઑડિટમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપીઓ નાનાં વાહનના ઇન્શ્યૉરન્સ કાઢી ઇન્શ્યૉરન્સ કૉપી એડિટ કરી મોટા વાહનચાલકોને આપતા હતા. ઘટનાની ફરિયાદ એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
તાતા એઆઇજી જનરલ ઇન્શ્યૉરન્સના અસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ પદ્માદકર ત્રિપાઠીએ કરેલી ફરિયાદ અનુસાર આરોપીઓ પૉલિસી ખરીદનારાઓને સસ્તા દરે ફોર-વ્હીલર, સિક્સ-વ્હીલરનું ઇન્શ્યૉરન્સ ઑફર કરતા હતા. તેમની વિગતો ઑનલાઇન ફાઇલ કરતી વખતે ફોર-વ્હીલર, સિક્સ-વ્હીલર ભરવાને બદલે તેઓ ટૂ-વ્હીલર વાહન હોવાનું ફૉર્મમાં ભરતા હતા. એ પછી તેઓ સિસ્ટમ દ્વારા જનરેટ થયેલા વાસ્તવિક પૉલિસી દસ્તાવેજ મેળવવા માટે પોતાનો ઈ-મેઇલ આઇડી આપીને પૉલિસી ખરીદનારને બનાવટી પૉલિસી દસ્તાવેજો મોકલી આપતા હતા. આરોપી પૉલિસી ખરીદનારાઓ પાસેથી મોટાં વાહનોનું વીમા પ્રીમિયમ વસૂલ કરતા હતા અને વીમા કંપનીમાં ટૂ-વ્હીલરનું પ્રીમિયમ જમા કરાવતા હતા. તેઓ વચ્ચેની કિંમત પોતાના ખિસ્સામાં નાખી દેતા હતા. આ વર્ષના ઇન્ટરર્નલ ઑડિટ દરમ્યાન ફરિયાદી વીમા કંપનીએ શોધી કાઢ્યું કે ૨૦૨૦-’૨૧માં પૉલિસીબાઝાર દ્વારા ૧૧૨૯ થર્ડ-પાર્ટી વાહન વીમા પૉલિસી મેળવવા માટે સમાન મોબાઇલ ફોન નંબર, ઈ-મેઇલ અને ઇન્ટરનેટ પ્રોટોકૉલ (આઇપી) ઍડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ છેતરપિંડી થઈ હોવાનું સામે આવતાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી. અમિત કેવત, રાજુ યાદવ, હર્ષદ તિવારી સાથેના અન્ય ૭ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસના યુનિટ-ત્રણ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે કંપનીના અધિકારીઓએ સરકારી વેબસાઇટ પર વીમાધારક વાહનોની વિગતો વધુ તપાસી ત્યારે તેમને વાહનોના પ્રકાર વિશેની માહિતી મળી હતી. કંપનીના અધિકારીઓએ પછી શોધ્યું કે સસ્તા દરે વાહન વીમા પૉલિસી વેચવાના બહાને વીમા પૉલિસી એજન્ટ્સનું એક ગ્રુપ પૉલિસી ખરીદનારાઓ અને વીમા કંપની સાથે છેતરપિંડી કરી રહ્યું છે. આ ઘટનાથી કંપનીને પૉલિસીઓ સામે ઓછું પ્રીમિયમ મળ્યું હતું. કંપનીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ કમિશનરે અમારા યુનિટને પ્રાથમિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.’
મુંબઈ પોલીસ યુનિટ-ત્રણ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર સોપન કાકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે ફરિયાદ નોંધી છે. એ સાથે જ જેમણે પૉલિસી ખરીદી છે તેઓનાં સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યાં છે. આ ઘટનામાં સામેલ એવા તમામ આરોપીની શોધખોળ અમે કરી રહ્યા છીએ.’