ઘાટકોપરની ઑર્ચર્ડ રેસિડન્સીના ૫૫૦ ફ્લૅટ્સને જુલાઈ મહિનાથી બીએમસીનું નામ પૂરતું જ પાણી મળે છે : ૩૬.૩૮ લાખ રૂપિયા ટૅન્કરના પાણી પાછળ સોસાયટી ખર્ચી ચૂકી છે
ઘાટકોપરની હાઉસિંગ સોસાયટી ઑર્ચર્ડ રેસિડન્સી અને તેના મેમ્બરો
છેલ્લા ૧૦ મહિનાથી પાણીના અપૂરતા પુરવઠાને કારણે ઘાટકોપરની હાઉસિંગ સોસાયટી ઑર્ચર્ડ રેસિડન્સીને ટૅન્કરના પાણી પર નિર્ભર રહેવું પડ્યું છે. જુલાઈથી અત્યાર સુધીમાં ટૅન્કરનું પાણી મેળવવા માટે આ સોસાયટીએ આશરે ૪૦ લાખ રૂપિયા ચૂકવ્યા છે અને એ પણ પાછું પીવાલાયક નથી હોતું. તેથી રહેવાસીઓએ દરરોજ પીવા માટે પૅકેજ્ડ વૉટર ખરીદવું પડે છે. ટૅન્કરના હલકી ગુણવત્તાવાળા પાણીના કારણે વાળ ખરવા, ચહેરા ધોવા દરમિયાન આંખોમાં બળતરા થવી અને વૃદ્ધોને પેટની તકલીફ થવી જેવી સમસ્યાઓ થઈ રહી છે.
‘મિડ-ડે’ની ટીમે બુધવારે ઘાટકોપર-પશ્ચિમમાં આવેલી ઑર્ચર્ડ રેસિડન્સીની મુલાકાત લીધી હતી. હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ તેમ જ કમિટીના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પાર્કસાઇટમાં અડીને આવેલી ઝૂંપડીઓમાં ગેરકાયદે પાણી પૂરું પાડવામાં આવે છે એટલે તેમણે પાણીની ભયંકર અછતનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
ઑર્ચર્ડ રેસિડન્સીનાં અગ્રણી સભ્ય સ્મિતા નારાયણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે જુલાઈ પહેલાં અમે દરરોજ ચાર લાખ લિટર પાણી મેળવતા હતા, કારણ કે બીએમસી અમને સાથે સાંજે છથી ૧૧ વાગ્યા સુધી યોગ્ય દબાણ સાથે પાણી પૂરું પાડતું હતું. જોકે અમે જુલાઈ ૨૦૨૨ પછી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છીએ. હવે બીએમસી ઓછા દબાણ સાથે સાંજે માંડ એક કલાક માટે પાણી છોડે છે. તેથી સોસાયટીએ નહાવા-ધોવા માટે બહારથી પાણી ખરીદવું પડે છે. ઉપરાંત પીવા માટે પૅક્ડ પાણી પણ ખરીદવું પડે છે.’
મુખ્ય સમિતિના સભ્યોમાંથી એક ચેરિલ પરેરાએ જણાવ્યું હતું કે ‘અમે ગયા વર્ષે જુલાઈથી મ્યુનિસિપલ કચેરીઓમાં ચક્કર લગાવી રહ્યા છીએ અને જુનિયર એન્જિનિયર અમૃતા વાઘ હંમેશાં પાઇપલાઇન ફાટવાનું કારણ આપ્યા કરે છે. મને આશ્ચર્ય થાય છે કે આજ સુધી એનું સમારકામ કેમ નથી થયું? દરરોજ અમારે ટૅન્કર સપ્લાય પર નિર્ભર રહેવું પડે છે.’
સ્મિતા નારાયણે એવું પણ જણાવ્યું હતું કે ‘જુનિયર એન્જિનિયર ભલે એવું કહેતાં હોય કે પાઇપલાઇન ફાટી ગઈ છે, પરંતુ જ્યારે અમે વૉટર હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે આવો કોઈ મુદ્દો જ નથી. તો પછી અમારા ભાગનું પાણી ક્યાં ડાઇવર્ટ થઈ રહ્યું છે? ગયા વર્ષે સારો વરસાદ થયો હોવા છતાં પાણીની તંગી સર્જાઈ રહી છે.’
ઑર્ચર્ડ રેસિડન્સી
ઑર્ચર્ડ રેસિડન્સીમાં ૫૫૦ ફ્લૅટ છે અને આ ફ્લૅટઓનર્સ ઘાટકોપરના સમૃદ્ધ વર્ગના છે. ઑર્ચાર્ડ રેસિડન્સીનાં અન્ય રહેવાસી દીપાલી રાઠોડે જણાવ્યું હતું કે મોટા ભાગના ઑફિસ જનારાઓએ સવારે વહેલા નહાયા વિના ઘર છોડવું પડે છે.
તેમનાં પાડોશી શ્વેતલ વસંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મુંબઈમાં ગરમી વધી રહી છે, પરંતુ ઘરમાં અપૂરતું પાણી ઘણા લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહ્યું છે.
દરમિયાન ‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર મહેશ પવારે કહ્યું હતું કે ‘આખું મુંબઈ ૧૫ ટકા પાણીકાપનો સામનો કરી રહ્યું છે. ઘાટકોપરની ઑર્ચાર્ડ રેસિડન્સી પણ આવી જ અછતનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે અમે તેમને ટૅન્કરનું પાણી મેળવવાની મંજૂરી આપી છે.’
ઑર્ચર્ડ રેસિડન્સીએ ખર્ચેલા ૩૬.૩૮ લાખ રૂપિયાના વળતર અંગે પૂછવામાં આવ્યું ત્યારે મહેશ પવારે કહ્યું હતું કે ‘ના, અમારી ઑફિસ બિલ કેમ ભરપાઈ કરશે?’ કોઈ પાઇપલાઇન ફાટી નથી.’
આ સોસાયટીને દરરોજ કેટલા પાણીની જરૂર પડે છે એ અંગે પુછાતાં મહેશ પવારે કહ્યું હતું કે ‘મારે રેકૉર્ડ તપાસવો પડશે. અત્યારે હાથવગો નથી. સોસાયટીના સભ્યો મારી ઑફિસે આવે તો અમે બેસીને વિગતવાર ચર્ચા કરીશું.’
દરમિયાન, જુનિયર ઇજનેર વાઘને મોકલેલા કૉલ અને મેસેજનો જવાબ મળ્યો નહોતો.