શિવસેનાના નેતાઓએ આવું સ્ટૅન્ડ લીધા બાદ એકનાથ શિંદે કૂણા પડ્યા અને નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યું હોવાનું કહેવાય છે
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
એકનાથ શિંદેએ છેલ્લી ઘડીએ નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યું એમાં તેમની શિવસેના પાર્ટીના વિધાનસભ્યોનું દબાણ કામ કરી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ શિંદેની નજીકના અને શિવસેનાના વરિષ્ઠ નેતા ઉદય સામંતે ગઈ કાલે કહ્યું હતું કે ‘એકનાથ શિંદેસાહેબ સરકારમાં સામેલ થવા નહોતા માગતા. ચૂંટાયેલા પક્ષના અમારા વિધાનસભ્યોમાંથી કોઈને તેઓ નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માગતા હતા. એકનાથ શિંદે અમારા નેતા છે. તેમના હાથમાં અમે અમારી રાજકીય કરીઅર સોંપી છે. આથી તેઓ જ નાયબ મુખ્ય પ્રધાન બને એવી અમારી ઇચ્છા હતી એટલું જ નહીં, તેઓ નાયબ મુખ્ય પ્રધાનપદ નહીં સ્વીકારે તો અમે પણ સરકારમાં કોઈ જવાબદારી નહીં લઈએ એમ અમે તેમને સ્પષ્ટ કહ્યું હતું. જો તમે સરકારમાં સામેલ નહીં થાઓ તો અમારામાંથી કોઈ નાયબ મુખ્ય પ્રધાનપદ નહીં સ્વીકારે એવું પણ તેમને કહી દીધું હતું. અમારી ભાવનાને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે સરકારમાં સામેલ થવા માટે તૈયાર થયા હતા.’