તારક મેહતા...ના એપિસોડ લખનાર અભિષેક મકવાણાનો સુસાઇડ-કેસ
અભિષેક મકવાણા તેના ભાઈ સાથે
ટેલિવિઝન જગતને આંચકો આપનારા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક અભિષેક મકવાણાની આત્મહત્યાના મામલે હજી પોલીસની તપાસ એક મહિના પછી પણ કોઈ એક નિષ્કર્ષ કે દિશા મેળવી શકી નથી. ૨૭ નવેમ્બરે અભિષેક મકવાણાએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઑનલાઇન ફ્રૉડને કારણે તેણે આત્મહત્યા કરી છે. આ સંદર્ભે ચારકોપ પોલીસ-સ્ટેશનમાં અભિષેકના પરિવારના સભ્યોએ લેખિતમાં રજૂઆત પણ કરી હતી. આ કેસને આશરે એક મહિનો વીતી ગયો છે છતાં આ આત્મહત્યા માટે કોણ જવાબદાર છે એનું કારણ પોલીસ જાણી શકી નથી.
આટલા લાંબા સમય સુધી શા માટે એફઆઇઆર દાખલ નથી થયો એ જાણવા માટે અભિષેકના ભાઈ જેનિસ મકવાણાએ સોમવારે ચારકોપ પોલીસ-સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તપાસ અધિકારીને આ સંદર્ભે એક પત્ર સોંપ્યો હતો. તેમની સાથે લોન કન્ઝ્યુમર અસોસિએશનના પદાધિકારીઓ અને એક વકીલ પણ મોજૂદ હતા. જેનિસ મકવાણાએ ગુજરાતી ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘પોલીસે વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ કરવી જોઈએ તેમ જ જવાબદાર કંપનીઓ વિરુદ્ધ પગલાં લેવાં જોઈએ. આ સંદર્ભે તેમણે નવેસરથી રજૂઆત કરતાં આશરે ૨૦ જેટલી ઑનલાઇન લોન આપનાર ઍપ્લિકેશન તેમ જ હોટેલની સૂચિ પણ પોલીસને સોંપી છે. તેમની સાથે મોજૂદ ઍડ્વોકેટ દીપક મોરેએ પોલીસ સામે કાયદેસરની રજૂઆત કરી હતી.
ADVERTISEMENT
આત્મહત્યાના એક મહિના પછી પણ એફઆઇઆર દાખલ નથી થયો તેમ જ પોલીસ પાસે અત્યાર સુધી એવી કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ થઈ નથી જેને કારણે એવું સાબિત થઈ શકે છે કે અભિષેક મકવાણાએ લોન ન ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.
પોલીસ-ફરિયાદ કોઈ વ્યક્તિ સામે દાખલ થઈ શકે. એવી વ્યક્તિ સામે જે કૃત્ય માટે જવાબદાર હોય. આ કેસમાં અમે અનેક કંપનીઓને પત્ર લખ્યા છે તેમ જ પોલીસ-વિભાગે બૅન્કને પત્ર લખીને અકાઉન્ટમાં આવેલા પૈસા તેમ જ થયેલાં ટ્રાન્ઝૅક્શન સંદર્ભે માહિતી માગી છે. હજી સુધી એ માહિતી પોલીસ સુધી પહોંચી નથી. આ કારણસર અમે આ મામલામાં એફઆઇઆર દાખલ કર્યો નથી. આવતા દિવસોમાં જ્યારે અમારી પાસે કોઈ નક્કર માહિતી તેમ જ પુરાવા આવશે ત્યારે અમે એફઆઇઆર દાખલ કરીશું.
- વિઠ્ઠલ શિંદે, ચારકોપ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર

