અમિત ખૂબ સારો સ્વિમર હતો. તે ડૂબવા લાગ્યો ત્યારે તેને પાણીની બહાર કાઢવા માટે કોઈ આગળ નહોતું આવ્યું
અમિત મોહિતે
વિરાર-ઈસ્ટમાં આવેલા ફૂલપાડામાં રહેતો ૨૪ વર્ષનો સ્વિમર અમિત મોહિતે મંગળવારે રાત્રે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. એને લીધે તરતાં આવડતું હતું તો પણ ડૂબી જવાથી અમિત મોહિતેનું કરુણ મૃત્યુ થયું હતું. અમિત મોહિતેના ભાઈએ દાવો કર્યો હતો કે ‘અમિત ખૂબ સારો સ્વિમર હતો. તે ડૂબવા લાગ્યો ત્યારે તેને પાણીની બહાર કાઢવા માટે કોઈ આગળ નહોતું આવ્યું. વિસર્જનસ્થળે પાણીની ઉપર રહેવામાં મદદરૂપ થતી ટ્યુબ કે ફ્લોટર જેવી કોઈ વ્યવસ્થા નહોતી. અમિત પાણીમાં ડૂબી ગયા બાદ તેને થોડા સમયમાં બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’
વિસર્જન વખતે ફોટોગ્રાફરે જીવ ગુમાવ્યો
ADVERTISEMENT
મંગળવારે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે ૫૬ વર્ષના ફોટોગ્રાફર જિતેન્દ્ર રામચંદ્ર ટકેકર લાલબાગમાં ફોટો પાડી રહ્યા હતા. એ સમયે અચાનક તેમને ચક્કર આવતાં પડી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ફોટો પાડતી વખતે પડી જનારા જિતેન્દ્ર ટકેકરને કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક રીતે હાર્ટ-અટૅક આવવાથી જીવ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.