ઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી:અજિત પવાર
અજિત પવાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી) માટે આરક્ષિત બેઠકોની સંખ્યાની પચાસ ટકા બેઠકોથી વધારે બેઠકો ઓબીસી માટે અનામત રાખી ન શકાય એવા સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે રિવ્યુ પિટિશન કરવા સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો હોવાનું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં જણાવ્યું હતું. ગઈ કાલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઓબીસી ક્વોટા વિશે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાબતે મહાવિકાસ આઘાડી સરકારના નિવેદનની માગણી કરી હતી. તેમણે ગૃહની કાર્યવાહીના આરંભમાં પ્રશ્નોત્તરકાળ મુલતવી રાખીને પણ આ વિષય પર સરકારના નિવેદનની માગણી કરી હતી. ફડણવીસે રાજ્યમાં ઓબીસીની વસ્તીગણતરીની પરીક્ષિત વિગતો પ્રાપ્ત કરવા માટે પંચ નીમવામાં બેદરકારી રાખીને ઓબીસી ક્વોટાના મુદ્દાને કોરાણે મૂકવાનો આરોપ રાજ્ય સરકાર પર મૂક્યો હતો.
ગુરુવારે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં શેડ્યુલ્ડ કાસ્ટ્સ, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ અને અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી) માટે કુલ જેટલી બેઠકો અનામત રાખવામાં આવી હોય એના પચાસ ટકાથી વધારે બેઠકો ઓબીસીને ફાળવી ન શકાય. સર્વોચ્ચ અદાલતે ૧૯૬૧ના મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ ઍક્ટમાં ઓબીસીને ૨૭ બેઠકોની ફાળવણીની નોંધ લેતાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસીના લોકોને આરક્ષણ વિશે સ્ટેટ ઇલેક્શન કમિશનનાં ૨૦૧૮ અને ૨૦૨૦નાં નોટિફિકેશન્સ પણ રદ કર્યાં હતાં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી ઉમેદવારોની ચૂંટણીઓનાં પરિણામો પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડિંગ અરજીઓના નિકાલને આધીન રખાયાં હતાં એ બધાં ગેરકાયદે માનવાની જાહેરાત સર્વોચ્ચ અદાલતે કરી હતી. તેથી સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બાકીની ટર્મ માટે ખાલી રહેતી એ બેઠકો ભરવાની જવાબદારી સ્ટેટ ઇલેક્શન કમિશનને સર્વોચ્ચ અદાલતે સોંપી હતી.

