ચાંદિવલીમાં નસીમ ખાનના સમર્થકોની આ હરકતથી રોષ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અંધેરી ઈસ્ટની ચાંદિવલી બેઠકના કૉન્ગ્રેસના ઉમેદવાર નસીમ ખાનના ફોટોવાળું સ્ટિકર એક ઘરની દીવાલમાં ગણપતિદાદાના ફોટોની ઉપર ચીપકાવવામાં આવ્યું હોવાનો વિડિયો વાઇરલ થયો હતો જેને લીધે હિન્દુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિડિયોમાં દીવાલમાં લગાવેલી ટાઇલ્સમાં ભગવાન શ્રી ગણેશનો ફોટો અને શુભ-લાભ લખેલું છે. આ ફોટોની ઉપર નસીમ ખાનના ફોટોવાળું સ્ટિકર ચીપકાવવામાં આવ્યું છે. વાઇરલ થયેલા આ વિડિયોમાં લોકો કહી રહ્યા છે કે ‘બહુ બેશરમ છે કૉન્ગ્રેસનો ઉમેદવાર. તેણે ગણપતિના ફોટોની ઉપર પોતાનું સ્ટિકર લગાવી દીધું છે. આવું કરીને શરમ પણ નથી આવતી.’
આ વિડિયો જોઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી વિભાગના ઇન્ચાર્જ અમિત માલવિયાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘હિન્દુઓ ગણપતિબાપ્પાની વિઘ્નહર્તાના રૂપમાં પૂજા કરે છે. ગણપતિબાપ્પાનું અપમાન કરવાનું કામ કૉન્ગ્રેસે કર્યું છે. સ્ટિકર લગાવવા પાછળનો નસીમ ખાનનો ઇરાદો ચાંદિવલી વિસ્તારના મુસલમાન મતદારોને કૉન્ગ્રેસને જ મત આપવાનો સંકેત છે. મુંબઈમાં સૌથી વધુ વોટ જેહાદ જોવા મળી રહી છે. કૉન્ગ્રેસ નવી મુસ્લિમ લીગ છે.’