હવામાનમાં થઈ રહેલા ફેરફારને લીધે ૨૫ ટકા પાક ઓછો થવાથી ભાવમાં વીસેક ટકાનો થયો વધારો
સ્ટ્રૉબેરી
મહાબળેશ્વર, સાતારા અને નાશિકમાં હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે એની અસર સ્ટ્રૉબેરીના પાક પર થઈ છે. બદલાયેલા હવામાનને લીધે પાકની ઊપજમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે, જેને પરિણામે ગયા વર્ષની સરખામણીમાં સ્ટ્રૉબેરીના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. અત્યારે મુંબઈની APMC માર્કેટમાં સારી ક્વૉલિટીની સ્ટ્રૉબેરીનો કિલોનો ભાવ ૩૫૦થી ૪૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે આ સ્ટ્રૉબેરીની સાઇઝ ખૂબ જ નાની છે અને સ્વાદમાં મીઠાશ પણ ઓછી છે.
મળેલી માહિતી પ્રમાણે મહાબળેશ્વરમાં અત્યારે તાપમાન ૧૭ ડિગ્રી છે. જોકે મહિનાના અંત સુધીમાં નાશિક, વાઈ, મહાબળેશ્વર અને પંચગનીમાં વાતાવરણમાં બદલાવ થવાની શક્યતા હોવાથી મીઠી સ્ટ્રૉબેરી આવતી થઈ જશે. જાન્યુઆરીની શરૂઆતથી વધુ જથ્થામાં અને સારી ગુણવત્તાવાળી સ્ટ્રૉબેરીનું આગમન શરૂ થશે.

