શોભાયાત્રા દરમ્યાન હિંસા ફેલાવવા માટે મસ્જિદની બાજુમાં બેસીને આરોપીઓએ પ્લાન બનાવ્યો હોવાનું પોલીસના રિપોર્ટમાં જણાયું
ફાઇલ તસવીર
૩૦ માર્ચે મલાડના માલવણીમાં રામનવમીની શોભાયાત્રા વખતે બે જૂથ વચ્ચે થયેલા તોફાન કાવતરું ઘડીને કરવામાં આવ્યાં હોવાનું પોલીસના રિપોર્ટમાં જણાઈ આવ્યું છે. એક મસ્જિદ પાસે એકઠા થયેલા લોકોએ રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરીને રમખાણ ફાટી નીકળે એ માટેના પ્રયાસ આરોપીઓએ કર્યા હતા. આ મામલામાં માલવણી પોલીસે ૨૦૦ લોકો સામે એફઆઇઆર નોંધીને અત્યાર સુધી ૨૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ માલવણીમાં રામનવમીની શોભાયાત્રા વખતે થયેલી હિંસક અથડામણની તપાસ માલવણી પોલીસ કરી રહી છે. પોલીસની ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)ની ટીમે માલવણી પોલીસ સ્ટેશનમાં જઈને બીજી એપ્રિલે નિવેદન નોંધ્યાં હતાં.
બન્ને પોલીસનાં નિવેદનમાં જણાઈ આવ્યું છે કે હિંસક અથડામણ બાદ ધરપકડ કરવામાં આવેલા અને કેટલાક વૉન્ટેડ લોકો દ્વારા ઇરાદાપૂર્વક રમખાણ કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. મસ્જિદ પાસે આરોપીઓ એકઠા થયા હતા અને લોકોને શોભાયાત્રા વખતે કરફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસના રિપોર્ટમાં આ બાબત જણાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશથી આ મામલામાં બીજી એપ્રિલે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૧૨૦ (બી) (ગુનાહિત ષડ્યંત્ર ઘડવું) લગાડવામાં આવી છે. અગાઉ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ૩૦ માર્ચે શોભાયાત્રા મસ્જિદ પાસેથી ડીજેના મોટા અવાજે વાગતા ડીજે મ્યુઝિકને લીધે બે જૂથ વચ્ચે વિખવાદ થયો હતો. પોલીસે નોંધેલા એફઆઇઆર મુજબ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને બીજાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી રામનવમીની શોભાયાત્રામાં ૬૦૦૦ લોકો સામેલ થયા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રાત્રે ૭.૨૫ વાગ્યે શોભાયાત્રા જામા મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે અંદર નમાજ ચાલી રહી છે એમ કહીને ૧૦૦થી ૧૫૦ લોકોએ ઊંચા અવાજે વાગી રહેલા ડીજેનો વિરોધ કર્યો હતો. ડીજેનો અવાજ ઓછો ન કરાતાં ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર કરવાની શરૂઆત કરી હતી અને બાદમાં શોભાયાત્રા પર જૂતાં ફેંકવાની સાથે પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક લોકોનાં માથાંમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ સમયે શોભાયાત્રામાં સિક્યૉરિટીની ફરજ બજાવી રહેલા પોલીસે પથ્થરમારો કરનારા કેટલાક લોકોને ઝડપી લીધા હતા. પોલીસના રિપોર્ટમાં જણાયું છે કે રાત્રે ૮.૪૫ વાગ્યે શોભાયાત્રા અલી હઝરત મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે ૨૦૦થી ૨૫૦ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે આ લોકોને રોકવાનો પ્રયાસ કરતાં તેમને પણ પથ્થર મારવામાં આવ્યા હતા અને પોલીસ સાથે હાથાપાઈ કરી હતી.