કૉન્ટ્રૅક્ટર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે નોંધાયેલા FIRમાં PWDનો દાવો
તૂટી પડેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા
સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૫ ફુટ ઊંચી પ્રતિમા ઉદ્ઘાટનના આઠ જ મહિના અને બાવીસ દિવસમાં તૂટી પડવાના મુદ્દે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)એ નોંધાવેલી ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં દાવો કરવામાં આવ્યો છે કે બાંધકામ નબળી ક્વૉલિટીનું હતું. આ સિવાય બાંધકામમાં વાપરવામાં આવેલા નટ-બોલ્ટ કટાઈ ગયા હતા. બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હોવાને કારણે આ પ્રતિમા તૂટી પડી હતી.
ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ કૉન્ટ્રૅક્ટર અને આર્ટિસરી કંપનીના માલિક જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે FIR નોંધવામાં આવી છે. એમાં મિલીભગત, છેતરપિંડી અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવાનો પણ સમાવેશ છે.
PWDના એન્જિનિયરે ૨૦ ઑગસ્ટે વૉર્નિંગ આપી હતી
ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓ અને ટૂરિસ્ટોએ પણ આ પ્રતિમાની ખરાબ સ્થિતિ વિશે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. માલવણના PWD વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયરે પણ ૨૦ ઑગસ્ટે આ મુદ્દે વૉર્નિંગ આપી હતી, પણ કોઈ પ્રતિબંધાત્મક પગલાં લેવાયાં નહોતાં. સ્થાનિક PWD વિભાગે કહ્યું હતું કે કાટ ખાઈ રહેલા નટ-બોલ્ટ પ્રતિમાની સ્ટેબિલિટીને જોખમ ઊભું કરી શકે છે. આ ચેતવણીને પણ અવગણવામાં આવી હતી. આ મુદ્દે સિંધુદુર્ગ જિલ્લાના પાલકપ્રધાન રવીન્દ્ર ચવાણે કહ્યું હતું કે પ્રતિમા બનાવવામાં આવેલું સ્ટીલ કાટ ખાઈ રહ્યું છે એની જાણકારી નેવીના અધિકારીઓને આપવામાં આવી હતી અને સમયસર યોગ્ય પગલાં લેવાની વિનંતી કરાઈ હતી.
નેવી પાસે કોઈ એક્સપર્ટીઝ નથી
આ પ્રકારની પ્રતિમા બનાવવા માટે નેવી પાસે કોઈ એક્સપર્ટીઝ નહીં હોવા છતાં આ પ્રતિમા બનાવવાનું કામ એને સોંપવામાં આવ્યું હતું. ૩૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલી આ પ્રતિમા ઊભી કરવાનું કામ ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું અને સિંધુદુર્ગના રાજકોટ ફોર્ટમાં વડા પ્રધાન મોદીએ એનું ઉદ્ઘાટન ગયા વર્ષે ૪ ડિસેમ્બરે નેવી-ડેના દિવસે કર્યું હતું.
હવે ૩૫ને બદલે ૧૦૦ ફુટની પ્રતિમા બાંધવામાં આવે
છત્રપતિ શિવાજી મહારાજની ૩૫ ફુટની પ્રતિમા તૂટી પડ્યા બાદ હવે એ સ્થાને તેમની ૧૦૦ ફુટની પ્રતિમા ઊભી કરવામાં આવે એવી માગણી મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન દીપક કેસરકરે કરી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રતિમા તૂટી પડવાની ઘટના દુખદ છે. નેવીએ આ પ્રતિમા ઊભી કરી હતી, કારણ કે તેમના મતે છત્રપતિ શિવાજી મહારાજ પહેલા નેવી કિંગ હતા અને તેમના માનમાં આ પ્રતિમા ઊભી કરવામાં આવી હતી. જો હવે આ પ્રતિમા તૂટી પડી છે તો ત્યાં ૧૦૦ ફુટ ઊંચી પ્રતિમા બાંધવામાં આવે, આવું મારું માનવું છે. આ મુદ્દે હું મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરીશ અને એનો અંદાજિત પ્લાન મારી પાસે રેડી છે.
સાચા માવળાએ શિવાજીના તૂટી ગયેલા સ્ટૅચ્યુના ફોટો વાઇરલ ન કર્યા હોત : દેવેન્દ્ર ફડણવીસ
વિરોધ પક્ષો સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર ઊભું કરાયેલું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડતાં સરકારને નિશાના પર લઈને એના પર પસ્તાળ પાડી રહ્યા છે ત્યારે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સ્ટૅચ્યુ તૂટી પડ્યું એ કમનસીબ ઘટના છે, પણ એના પર રાજકારણ ન કરવું જોઈએ. સ્ટૅચ્યુ ઊભું કરતી વખતે રાજકોટના આ કિલ્લા પર કઈ ઝડપે પવન ફૂંકાય છે એની માહિતી પૂતળું બનાવનાર શિલ્પકારને નહીં હોય. હવે અમે નેવીની મદદ સાથે એ જ જગ્યાએ ફરી એ સ્ટૅચ્યુ ઊભું કરીશું.’
જોકે એ દુર્ઘટના બાદ તૂટી ગયેલા સ્ટૅચ્યુના ફોટો વાઇરલ થયા હતા. છત્રપતિ શિવાજી મહારાજના ખરા માવળા એ ફોટો વાઇરલ ન કરે એવી ટીકા તેમણે વિરોધીઓ પર કરી હતી. અફઝલ ખાનની વૃત્તિની અનેક બાબતો અમારી સામે આવશે, પણ અમે એનો લોકશાહી પદ્ધતિથી જ ખાતમો કરીશું એમ તેમણે કહ્યું હતું.