BMCએ ખારના સ્ટુડિયોમાં કરેલા ડિમોલિશનને લઈને કુણાલ કામરાએ કર્યો વ્યંગ
કુણાલ કામરા
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મજાક ઉડાવ્યા બાદ શિવસૈનિકોએ સોમવારે ખારમાં આવેલા હૅબિટૅટ સ્ટુડિયોની તોડફોડ કરી હતી. મશ્કરી કરવા બદલ પોતે માફી નહીં માગે એવું કુણાલ કામરાએ સોમવારે કહ્યું હતું. આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કુણાલે ગઈ કાલે વધુ એક પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કરી હતી જેમાં હૅબિટૅટ સ્ટુડિયોને નિશાન બનાવવા વિશે લખ્યું હતું. કુણાલે પોસ્ટમાં લખ્યું હતું કે ‘હૅબિટૅટ સ્ટુડિયો મનોરંજનનું સ્ટેજ છે. અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમ થાય છે. હૅબિટૅટ કે બીજો કોઈ સ્ટુડિયો મારી કૉમેડી માટે જવાબદાર નથી. હું જે કંઈ બોલું છે એના પર સ્ટુડિયોનું કોઈ નિયંત્રણ નથી. હું કોઈ પણ રાજકીય પક્ષનો નથી. સ્ટૅન્ડ-અપ કૉમેડી રજૂ કરવા માટેના સ્થળને જવાબદાર ગણવું એટલે બટર ચિકન પસંદ ન આવે તો ટમેટાની લારી ઊંધી વાળવા જેવી વાત છે.’
ઉલ્લેખનીય છે કે કુણાલ કામરાએ સોમવારે મોડી રાત્રે પણ એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ‘આપણને બંધારણે આપેલી અભિવ્યક્તિ સ્વતંત્રતા માત્ર શક્તિશાળી અને શ્રીમંત લોકોની સ્તુતિ કરવા માટે નથી આપવામાં આવી. ફેમસ વ્યક્તિ પરની મજાક તમે સહન ન કરી શકો તો મારા હક પર તરાપ ન મારી શકો. મારી માહિતી મુજબ આપણી રાજકીય વ્યવસ્થાની આવી મજાક કરવી એ કાયદાકીય રીતે ખોટું નથી. આમ છતાં, હું પોલીસ અને કોર્ટની કાયદેસરની કાર્યવાહીમાં સહયોગ કરવા તૈયાર છું. જોકે મજાકથી નારાજ થઈને તોડફોડ કરવાનું જેમને યોગ્ય લાગતું હોય તેમના વિરોધમાં કાયદો નિષ્પક્ષ અને સમાન રહેશે? કોઈ પણ નોટિસ કે અગાઉથી જાણ કર્યા વિના હૅબિટૅટ સ્ટુડિયો પર હથોડો મારનારા અધિકારીઓ પર કાર્યવાહી થશે? મારો આગામી કાર્યક્રમ હવે હું એલ્ફિન્સ્ટન બ્રિજ પર કરીશ, કારણ કે એને તાત્કાલિક તોડવાની જરૂર છે. રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જે કહ્યું છે એ જ મેં પૅરોડીમાં કહ્યું છે. હું કોર્ટ કહેશે તો જ માફી માગીશ.’
ADVERTISEMENT
અજ્ઞાત સ્થળેથી કુણાલ કામરાએ મસ્તી કરવાનું ચાલુ જ રાખ્યું છે
શિવસેનાપ્રમુખ એકનાથ શિંદેની ઠેકરી ઉડાડનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા સામે મુંબઈ પોલીસે બે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. ગઈ કાલે મુંબઈ પોલીસની ટીમ કુણાલના ઘરે સમન્સ આપવા ગઈ હતી. જોકે કુણાલ ઘરે નહોતો એટલે તેનાં માતા-પિતાને પોલીસે સમન્સ સોંપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કુણાલ કામરા અત્યારે ક્યાં છે એ કોઈ જાણતું નથી ત્યારે ગઈ કાલે તેણે એક અંગ્રેજી ન્યુઝ-ચૅનલ સાથે ફોનથી વાત કરી હતી. કુણાલ કામરાએ ન્યુઝ-ચૅનલને કહ્યું હતું કે ‘મને શિવસેનાના કાર્યકરોના ધમકીના ૫૦૦ કૉલ આવ્યા છે જેમાં તેમણે મારી હત્યા કરીને શરીરના ટુકડેટુકડા કરવાનું કહ્યું હતું. બધા જ કૉલ એકનાથ શિંદેની સાથેના શિવસૈનિકોના હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોઈ કાર્યકરે કૉલ નથી કર્યો. મને એવું લાગી રહ્યું છે કે BJP એકનાથ શિંદેને પસંદ નથી કરતી. ખાર પોલીસ-સ્ટેશનના એક અધિકારી સાથે વાત કરીને મેં અઠવાડિયામાં પોલીસ સમક્ષ હાજર થવાનું કહ્યું છે. પોલીસે મને વહેલી તકે હાજર થવાનું કહ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેની મજાક કરતી પૅરોડી બનાવવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે આવી મશ્કરી સહન નહીં કરવામાં આવે, કૉમેડિયન કુણાલ કામરા સામે કડક કાર્યવાહી થશે. કુણાલ કામરાના માધ્યમથી ઉદ્ધવસેના BJP અને એકનાથ શિંદે વચ્ચે ફૂટ પડાવવા માગે છે? આવું થાય તો મહાયુતિમાં સામેલ થવાનો રસ્તો ઉદ્ધવ ઠાકરે માટે ખુલ્લો થઈ જશે એવી ચર્ચા શરૂ થઈ છે. જોકે સોમવારે જ એક સવાલના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે માટે હવે દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા હોવાનું કહ્યું હતું.

