RPFએ વધારાના ૫૦ અધિકારીઓનો સ્ટાફ બોલાવ્યો, GRPએ રેલવેને પત્ર લખીને કરી માગણી
ગઈ કાલે GRP અને RPFએ રેલવે-પ્રવાસીઓ માટે કરેલી સુવિધા.
બાંદરા ટર્મિનસ પર શનિવારે સવારે બાંદરા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા દરમ્યાન ધક્કામુક્કી અને નાસભાગ થઈ હતી જેમાં ૯ જણ ઘાયલ થયા હતા. ભારે ધક્કામુક્કીની ઘટના બાદ સફાળી જાગેલી રેલવેની સુરક્ષા-એજન્સી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ સ્ટેશન પર ઓવર-ક્રાઉડિંગની ઘટનાને રોકવા સુરક્ષાની દૃષ્ટિએ અનેક પગલાં લીધાં છે. GRPએ વેસ્ટર્ન રેલવેને પત્ર લખીને મોડી આવતી ટ્રેનોનું શેડ્યુલ અનાઉન્સ કરી નાગરિકોને જાણ કરવા ઉપરાંત પ્લૅટફૉર્મ પર આવતી ટ્રેનોના દરવાજા ખુલ્લા રાખવાની માગણી કરી છે. જોકે RPFએ એકસાથે વધારાનો ૫૦ જણનો સ્ટાફ મગાવીને એને સ્ટેશનના ખૂણેખૂણે ગોઠવી દીધા છે.
રેલવેની ભૂલને કારણે બાંદરા ટર્મિનસ પર ઓવર-ક્રાઉડિંગ થયું હતું એમ જણાવતાં બાંદરા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર ખાડકીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન આશરે બાવીસ કલાક મોડી આવી હતી. એ ઉપરાંત જ્યારે ટ્રેન પ્લૅટફૉર્મ પર આવી ત્યારે એના તમામ દરવાજા લૉક હતા એને કારણે પ્રવાસીઓ અંદર જઈ શકતા નહોતા એને લીધે ટ્રેનમાં ચડવા માટે જોરદાર ધક્કામુક્કી થઈ હતી. એ ઘટના બાદ અમે રેલવેને પત્ર લખીને જો ટ્રેન લેટ હોય તો એની બાંદરા રેલવે-સ્ટેશન ઉપરાંત દાદર જેવા જંક્શન પર વારંવાર અનાઉન્સમેન્ટ કરીને નાગરિકોને જાણ કરવી જોઈએ અને ટ્રેન પ્લૅટફૉર્મ પર આવે એ પહેલાં એના બધા દરવાજા ખૂલેલા હોવા જોઈએ એવી વિનંતી કરી છે. પ્લૅટફૉર્મ પર વધારાના સ્ટાફની ગોઠવણ કરીને બૅરિકેડિંગ કર્યું છે અને દોરડું બાંધવામાં આવ્યું છે. એટલું જ નહીં, મેગાફોન દ્વારા સ્ટેશન પર આવતા પ્રવાસીઓને એ સંદર્ભની માહિતી આપવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
બાંદરા ટર્મિનસ પર સુરક્ષાની દૃષ્ટિએ વધારાના ૫૦ અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા છે એમ જણાવતાં બાંદરા RPFના સિનિયર ઇન્સ્પેક્ટર જગદીશ જાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે બનેલી ઘટના પછી અમે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી છે. ક્રાઉડિંગને રોકવા માટે સ્ટેશનના પ્લૅટફૉર્મ નજીક એક જગ્યા બનાવવામાં આવી છે જેમાં જનરલ પ્રવાસીઓ માટે આવતા લોકોને લાઇનસર બેસાડવામાં આવશે. જ્યારે ટ્રેન આવે એ પછી તેમને લાઇનસર પ્લૅટફૉર્મ પર છોડવામાં આવશે. એ ઉપરાંત પ્રવાસીઓ માટે બીજી સુવિધા પણ અમે કરવાના છીએ.’
બાંદરા ટર્મિનસ પર થયેલી નાસભાગમાં બંધ દરવાજાને કારણે ભીડ એક જ બાજુ એકઠી થઈ
બાંદરા ટર્મિનસ પર ગોરખપુર જતી અનરિઝર્વ્ડ અંત્યોદય એક્સપ્રેસ પકડવામાં થયેલા ધસારાને કારણે રવિવારે મધરાત બાદ થયેલી નાસભાગના ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ બહાર આવ્યાં છે, જેમાં લોકો મોટી બૅગો અને પ્લાસ્ટિકના પીપડા તેમ જ અન્ય સામાન લઈને ટ્રેનના સાંકડા અને નાના દરવાજાઓમાંથી એકસાથે અંદર જવાનો પ્રયાસ કરતા દેખાય છે, એના કારણે આ સ્ટૅમ્પીડ સર્જાયું એમ કહેવાય છે. જોકે એ જ વખતે ટ્રેનના અન્ય કોચ બંધ હોવાનું જણાઈ રહ્યું છે. એ બાબતે એવું જાણવા મળ્યું હતું કે કેટલાક ચોક્કસ ડબ્બાઓના જ દરવાજા ખુલ્લા હતા અને અન્ય ડબ્બાઓના દરવાજા બંધ હતા એટલે જેના દરવાજા ખુલ્લા હતા એમાં સીટ મેળવવા માટે વહેલો તે પહેલોના ધોરણે ચડવા માટે આ ધસારો થયો હતો.
રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘જે પણ અનરિઝર્વ્ડ ડબ્બા હોય એના દરવાજા અંદરથી બંધ હોય છે. જ્યારે યાર્ડમાંથી ટ્રેન પ્લૅટફૉર્મ પર આવે ત્યારે ઑલરેડી એમાં બેસેલા પોલીસ-કર્મચારીઓ એક પછી એક કોચના દરવાજા ખોલતા આવે અને એ રીતે એ ડબ્બા અનલૉક કરવામાં આવે છે. એથી જ્યારે ટ્રેન આવી ત્યારે જે દરવાજા પહેલાં ખૂલ્યા એમાંથી જ અંદર જવા માટે લોકોએ ભીડ કરી હતી. બીજા ડબ્બા ખૂલતાં વાર લાગી, પણ એ રાહ જોવા પૅસેન્જર્સ તૈયાર નહોતા અને ગાડરિયા પ્રવાહની જેમ અમુક જ ડબ્બામાં ચડવા માટે ધસારો થયો અને સ્ટૅમ્પીડ સર્જાયું.’