અભિનેતા શાહરૂખ ખાન (SRK Birthday)ના 58માં જન્મદિવસ પર બાંદરા (Bandra) સ્થિત મન્નત (Mannat) ખાતે ચાહકોની ભીડ એકઠી થઈ હતી, ત્યારે આ ભીડમાં ચોર પણ સક્રિય હતા
શાહરૂખ ખાનની ફાઇલ તસવીર
અભિનેતા શાહરૂખ ખાન (SRK Birthday)ના 58માં જન્મદિવસ પર બાંદરા (Bandra) સ્થિત મન્નત (Mannat) ખાતે ચાહકોની ભીડ એકઠી થઈ હતી, ત્યારે આ ભીડમાં ચોર પણ સક્રિય હતા. હાલમાં મુંબઈ પોલીસ (Mumbai Police)ને મોબાઈલ ફોનની ચોરીની 17 ફરિયાદો મળી છે અને બાંદરા પોલીસે આ સંદર્ભે કેસ નોંધ્યો છે.
મુંબઈ પોલીસ (Mumbai Police)ના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ બાંદરા (વેસ્ટ)માં બેન્ડસ્ટેન્ડ ખાતે ખાનના બંગલા મન્નતની બહાર સેંકડો ચાહકો એકઠા થયા હતા. બુધવારે મધ્યરાત્રિએ મોટી સંખ્યામાં ચાહકો તેમને અભિનંદન આપવા ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ચોરો 17 મોબાઈલ ફોનની ચોરી કરવામાં સફળ રહ્યા હતા.
ADVERTISEMENT
સમાચાર વેબસાઇટ મુંબઈ લાઇવના અહેવાલ મુજબ સાંતાક્રુઝ (Santacruz)ના રહેવાસી અરબાઝ ખાન (23) અભિનેતાની એક ઝલક મેળવવા તેના મિત્રો સાથે બેન્ડસ્ટેન્ડ પર આવ્યા હતા. અભિનેતા શાહરૂખ ખાન (Actor Shah Rukh Khan) બુધવારે મધ્યરાત્રિએ તેના ઘરની બહાર આવ્યા અને તેની પરિચિત શૈલીમાં ઊભા રહ્યા હતા અને તેના ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી. થોડા સમય પછી અરબાઝને ખબર પડી કે તેના ખિસ્સામાં મોબાઈલ ફોન નથી. આજુબાજુમાં પૂછપરછ કરતાં મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેની ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
શાહરૂખના વધુ 16 ચાહકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા છે. પોલીસે લોઅર પરેલના વેપારી નિખિલ ભટ્ટ (24)ની ફરિયાદ પર બીજો કેસ નોંધ્યો છે. શાહરૂખના બર્થડે પર મોબાઈલ ફોનની ચોરીની આ પહેલી ઘટના નથી, 2022માં 11 ફેન્સના મોબાઈલ ફોન ચોરાઈ ગયા હતા. અગાઉ 2019માં બે ચાહકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા હતા. 2017માં 13 મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.
સમીર વનખેડે લાંચ કેસમાં શાહરૂખ ખાનને આરોપી બનાવવાની માગ
આર્યન ખાનને ડ્રગ્સ કેસમાંથી છોડાવવા માટે લાંચ માગવા બદલ સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં અભિનેતા શાહરૂખ ખાનને પણ આરોપી બનાવવા હાઈકોર્ટમાં માગ કરવામાં આવી છે. શાહરૂખે લાંચ આપી હોવાનો દાવો કરીને અરજીકર્તાઓએ આ માગણી કરી છે.
ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ લાંચ લેનાર અને લાંચ આપનાર બંને દોષિત છે. વધુમાં, જો લાંચ લેવાનો આરોપ સાબિત થાય, તો સંબંધિત આરોપીને પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસ મુજબ, વાનખેડેએ સ્વતંત્ર સાક્ષી કે.પી. ગોસાવી મારફત શાહરૂખ ખાન પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી.
સીબીઆઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે શાહરૂખે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને જાણ કર્યા વગર લાંચ આપી હતી. તેથી કાયદા અનુસાર વકીલ રાશિદ ખાને હાઈકોર્ટને વિનંતી કરી છે કે શાહરૂખને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવે. અરજીમાં શાહરૂખના બ્રેઈન મેપિંગની સાથે નાર્કો અને જૂઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની પણ માગ કરવામાં આવી છે.