આમ કહીને શત્રુંજય તીર્થની રક્ષા માટે શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠન દ્વારા મુંબઈમાં પહેલી જાન્યુઆરીએ યોજાયેલી મહારૅલીમાં એકેએક જૈનોને જોડાવાની અપીલ કરાઈ
ફાઇલ તસવીર
જૈનોને તપ આરાધના કરવા માટે ૧૦૦૦ તક મળશે, પરંતુ તીર્થની રક્ષાની આવી તક ભાગ્યે જ મળે છે. અત્યારે આપણને સૌને આપણા તીર્થની રક્ષાનો અણમોલ લાભ મળ્યો છે. તો આ તક ચૂક્યા વગર આપણે એકેએક જૈનો પહેલી જાન્યુઆરીએ મુંબઈની મહારૅલીમાં જોડાઈએ, એવી અપીલ શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠન તરફથી કરવામાં આવી છે.
આ મહારેલી સમગ્ર મુંબઈમાં બિરાજમાન સાધુભગવંતોની નિશ્રામાં યોજવામાં આવી છે, જેને અલગ-અલગ વિભાગોમાંથી રવિવાર પહેલી જાન્યુઆરીએ સવારે સવાનવ વાગ્યે કાઢવામાં આવશે. જેમ કે સાઉથ મુંબઈમાં રૅલી વી. પી. રોડ જંક્શનથી શરૂ થશે. બીજી રૅલી વેસ્ટર્નના ઉપનગર બોરીવલીમાં અને ત્રીજી રૅલી સેન્ટ્રલના ઉપનગર મુલુંડમાં કાઢવામાં આવશે. આ રૅલીઓમાં હજારોની સંખ્યામાં તીર્થરક્ષાર્થે જોડાશે.
ADVERTISEMENT
આ માહિતી આપતાં શ્રી મુંબઈ જૈન સંઘ મહાસંગઠનના અગ્રણી નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મુંબઈ નજદીક આવેલા આસનગાંવ પાસેના જૈનોના તીર્થ શહાપુરમાં ૧૦૦મી ઓળીના પચ્ચખાણ ગ્રહણ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભાગ્યેશવિજયજીસૂરીશ્વરજી મહારાજસાહેબે ત્યાં જમા થયેલી જનમેદનીને શત્રુંજય તીર્થ પર આવી ગયેલી મુસીબતોની માહિતી આપતાં કહ્યું હતું કે મુંબઈના દરેક જૈનોએ શત્રુંજય તીર્થની રક્ષાર્થે યોજાનારી મહારૅલીમાં હાજરી આપવી જોઈએ. આ એક અમૂલ્ય તક છે. આ સમયે દરેક જૈને ઘરમાંથી બહાર નીકળીને આ મહારૅલીમાં જોડાવાનું છે, જેનાથી વિશ્વભરના જૈનોમાં શત્રુંજય તીર્થની રક્ષા માટેનો અવાજ બુલંદ થઈ શકે. આ પહેલાં રાજનગર-અમદાવાદના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશભરના જૈન સમાજોએ આવતા રવિવારે પહેલી જાન્યુઆરીએ સવારે ૯.૦૯ વાગ્યે શ્રી શત્રુંજય મહાતીર્થ રક્ષાર્થે વિરાટ રૅલીના આયોજનની જાહેરાત કરી હતી.’