સાંતાક્રુઝમાં રહેતાં અને છેલ્લાં ૨૬ વર્ષની જૈન દર્શન તેમ જ અન્ય દર્શન આધારિત વિવિધ રંગોળીનું સર્જન કરતાં ભાવના ભેદાની આ વર્ષની રંગોળીનું શીર્ષક છે
નગરડાયરી
ભાવના ભેદાની આ વર્ષની 8D રંગોળીમાં શ્રી આદિશક્તિ નવદુર્ગાનાં દિવ્ય સ્વરૂપો જોવા મળશે
સાંતાક્રુઝમાં રહેતાં અને છેલ્લાં ૨૬ વર્ષની જૈન દર્શન તેમ જ અન્ય દર્શન આધારિત વિવિધ રંગોળીનું સર્જન કરતાં ભાવના ભેદાની આ વર્ષની રંગોળીનું શીર્ષક છે ‘શ્રી આદિશક્તિ નવદુર્ગા’, જેમાં તેમણે માતાનાં દિવ્ય સ્વરૂપો અને તેમની મહત્તા જીવંતરૂપે વર્ણવ્યાં છે. નવરાત્રિના નવ દિવસ આપણે જેની પૂજા કરીએ છીએ એવાં મહાશક્તિનાં વિવિધ રૂપો એટલે કે માતા શૈલપુત્રી, માતા બ્રહ્મચારિણીજી, માતા ચંદ્રઘંટા, માતા કુષ્માંડા, સ્કંધમાતા, મહિસાસુર મર્દિની માતા કાત્યાયની, માતા માકાલરાત્રિ, માતા મહાગૌરી તેમ જ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનારાં માતા સિદ્ધિદાત્રી જેવાં વિવિધ સ્વરૂપોનું અને તેમની કથાનું ઝીણવટભર્યું આલેખન આ રંગોળીમાં કરવામાં આવ્યું છે.
આ રંગોળીમાં આખા બ્રહ્માંડનું દર્શન કરાવવામાં આવ્યું છે. એમાં જુદા-જુદા ગ્રહો વગેરેની સાથે માતાનાં વિવિધ રૂપો અને એની પાછળની કથાઓ, શક્તિપીઠ વગેરે પણ દર્શાવવામાં આવ્યાં છે. રંગોળીમાં સૌથી ઉપર પ્રજાપતિ દક્ષના યજ્ઞોત્સવમાં સતી આવે છે અને તેમનું અપમાન થતાં તે યોગાગ્નિથી પોતાના પ્રાણની આહુતિ આપે છે અને શિવજી તેમનું શબ લઈને ફરે છે એ દૃશ્યોનું હૂબહૂ આલેખન છે. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સતીના શબના ૫૧ ટુકડા કર્યા હતા અને એ ટુકડા ધરતી પર જ્યાં-જ્યાં પડ્યા એ શક્તિપીઠ તરીકે પૂજાય છે. ભારતમાં અંબાજી, પાવાગઢ, કામાખ્યાદેવી મંદિર વગેરે શક્તિપીઠ છે અને હિંગળાજ માતાની એકમાત્ર શક્તિપીઠ પાકિસ્તાનમાં છે. રંગોળીમાં આ શક્તિપીઠ પણ દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT
લિમકા બુક ઑફ રેકૉર્ડ્સનાં ત્રણ વાર હોલ્ડર રહી ચૂકેલાં ભાવનાબહેન પોતાની અંત:સ્ફુરણાથી જ દર વર્ષે રંગોળીનો વિષય નક્કી કરે છે. આ વર્ષે શ્રી આદિશક્તિનાં વિવિધ રૂપોનું વર્ણન કરવા પાછળનો પોતાનો ઉદ્દેશ જણાવતાં ભાવનાબહેન કહે છે, ‘આજકાલ નવરાત્રિના ઉત્સવમાં ધર્મ અને શ્રી આદિશક્તિનો મહિમા ભુલાતો જાય છે એટલે નવી જનરેશન તેમની મહત્તા જાણે અને માતાની શ્રદ્ધા-ભક્તિ સાથે ગરબા રમે તેમ જ માતાના તહેવારમાં જે આધ્યાત્મિક સંદેશ છે એને જીવનમાં અપનાવે એ ઉદ્દેશથી સ્વયંસ્ફુરણાથી મેં આ વિષય પસંદ કર્યો છે.’
ભાવનાબહેન દર વર્ષે રંગોળીમાં નવાં-નવાં એલિમેન્ટ્સનો ઉમેરો કરતાં હોય છે. તેમણે એકલે હાથે ત્રણ મહિનાની મહેનત તેમ જ બારસોથી વધારે કલર-શેડ્સનો ઉપયોગ કરીને ૯X૧૨ ફુટની આ ભાવવાહી રંગોળી તૈયાર કરી છે. તેઓ કહે છે કે વિશ્વની આ એકમાત્ર રંગોળી છે જે સંપૂર્ણ બ્લૅકઆઉટમાં પણ જોઈ શકાય છે. અલ્ટ્રાવાયલેટ લાઇટ્સની ઇફેક્ટ, સાઉન્ડ શો અને 3D ગ્લાસનાં વિઝ્યુઅલ્સ દ્વારા આ રંગોળી દર્શનીય બની છે.
- શર્મિષ્ઠા શાહ