ગેરકાનૂની બાંધકામની નોટિસ વિરુદ્ધની સોનુ સૂદની અરજી હાઈ કોર્ટે ફગાવી
ગેરકાનૂની બાંધકામની નોટિસ વિરુદ્ધની સોનુ સૂદની અરજી હાઈ કોર્ટે ફગાવી
બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ દ્વારા મુંબઈના જુહુ ખાતે તેના રહેણાક બિલ્ડિંગમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ વિશે બીએમસીએ પાઠવેલી નોટિસ વિરુદ્ધ સોનુ દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની અરજી અને અપીલને બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ફગાવી દીધી હતી.
જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણે અભિનેતાની અરજી ફગાવતાં જણાવ્યું હતું, ‘કાયદો માત્ર કર્તવ્યનિષ્ઠ લોકોની મદદ કરે છે.’ સોનુના વકીલ અમોઘ સિંહે બીએમસીએ ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં જાહેર કરેલી નોટિસની પૂર્તિ માટે ૧૦ સપ્તાહનો સમય માગ્યો હતો અને હાઈ કોર્ટને મહાનગરપાલિકા ડિમોલિશનની કાર્યવાહી હાથ ન ધરે એવો હુકમ કરવાની વિનંતી કરી હતી.
જોકે અદાલતે આમ કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે અભિનેતાને ભૂતકાળમાં અનેક તકો મળી ચૂકી હતી અને જરૂર પડ્યે તેઓ મહાનગરપાલિકાનો સંપર્ક કરી શક્યા હોત.
ચવાણે જણાવ્યું હતું કે ‘હવે કાર્યવાહી કરવાનો સમય બીએમસીનો છે. તમે (સોનુ) એનો સંપર્ક કરો.’ બીએમસીના જણાવ્યા પ્રમાણે સોનુ સૂદે ‘શક્તિ સાગર’ નામની રહેણાક ઇમારતમાં ફેરફાર કરીને જરૂરી પરવાનગી મેળવ્યા વિના એને હોટેલમાં રૂપાંતરિત કરી નાખી હતી. તો બીજી તરફ સોનુના વકીલે બિલ્ડિંગમાં બીએમસીની પરવાનગી માગવી પડે એવા કોઈ ફેરફારો કરવામાં આવ્યા હોવાનો ઇનકાર કર્યો હતો અને એમઆરટીપી ઍક્ટ હેઠળ મંજૂરી હોય તેવા જ ફેરફારો કરાયા હોવાનો દાવો કર્યો હતો.

