દરેક જેલના સુપરિન્ટેન્ડેન્ટને જેલમાં પ્રતિબંધિત આઇટમ્સ કે ડ્રગ્સની તપાસ કરવા માટે પોલીસની ડૉગ-સ્ક્વૉડની મદદ લેવાનો આદેશ
રાજ્યની જેલના એડીજી અતુલ ચંદ્ર કુલકર્ણીએ તમામ જિલ્લાની જેલના સુપરિન્ટેન્ડેન્ટને તપાસ માટે સ્થાનિક પોલીસની ડૉગ-સ્ક્વૉડની મદદ લેવા જણાવ્યું છે. સુરેશ કરકેરા
રાજ્યની જેલના એડીજી અતુલ ચંદ્ર કુલકર્ણીએ તમામ જિલ્લાની જેલના સુપરિન્ટેન્ડેન્ટને જેલમાં પ્રતિબંધિત આઇટમ્સ કે ડ્રગ્સની તપાસ કરવા માટે સ્થાનિક પોલીસની ડૉગ-સ્ક્વૉડની મદદ લેવા જણાવ્યું હતું. આર્થર રોડ જેલના સુપરિન્ટેન્ડેન્ટે આ સંદર્ભે મુંબઈ પોલીસના સંબંધિત વિભાગને પત્ર લખી તપાસ માટે ડૉગ-સ્ક્વૉડની માગણી કરી હતી. પત્રમાં જેલમાં નિયમિત રીતે થતી ભાંગફોડિયા પ્રવૃત્તિની તપાસ પણ ડૉગ્સની મદદથી કરવાનો ઉલ્લેખ કરાયો હતો.
જેલનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર જેલના પ્રત્યેક આરોપીનું સ્ક્રીનિંગ કરવામાં આવે જ છે. તેમ છતાં કોઈ જેલમાં પ્રતિબંધિત આઇટમ્સ લઈ જાય તો તેની તપાસ સ્નિફર ડૉગની મદદથી કરી શકાય છે. સૂત્રોએ જણાવ્યા મુજબ આરોપી જેલમાં ડ્રગ્સ કે ગનપાઉડર સ્મગલ કરી શકે છે. જેલમાં જો કોઈ એક કેદીને બીજા કેદી સાથે બનતું ન હોય તો તે બ્લેડ કે નાનું હથિયાર પણ છુપાવીને લઈ જઈ શકે છે.
આર્થર રોડ જેલની ક્ષમતા ૮૦૦ કેદીઓની છે, પરંતુ એમાં કુલ ૩૫૦૦ જેટલા કેદીઓનો સમાવેશ કરાયો છે. આમાંથી સેંકડો કેદીઓને રોજ કોર્ટ સમક્ષ હાજર કરવા લઈ જવાય છે. આ કેદીઓનું જેલમાંથી બહાર લઈ જતાં અને ફરી જેલમાં આવતાં એમ બંને વાર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જેલના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે જો તપાસ દરમ્યાન જેલના કેદી પાસેથી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે તો તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે છે.
આર્થર રોડ જેલના આઇજી અંકુશ શિંદેએ કહ્યું હતું કે જો જેલમાં ડ્રગ્સ કે અન્ય કોઈ પ્રતિબંધિત આઇટમ્સ લાવવામાં આવે તો એ લાવનારી વ્યક્તિને ડૉગ-સ્ક્વૉડની મદદથી ઝડપી શકાય છે. જોકે મુંબઈ પોલીસ ફોર્સના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હજી સુધી અમને આર્થર રોડ જેલ પાસેથી કોઈ પત્ર મળ્યો નથી.

