રૉકેટની સ્પીડે વધી ગયેલા ભાવ સામે નારાજગી દર્શાવીને મુંબઈ ગ્રાહક પંચાયતે નાગરી ઉડ્ડયન મંત્રાલયને સવાલ કર્યો કે ઍરફેર પર નિયંત્રણ રાખવા કોઈ ઑથોરિટી નથી?
ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- પ્લેનમાં મુંબઈથી અમદાવાદ જવાના ૨૧,૦૦૦; ગોવાના ૨૦,૧૦૦
- દિલ્હીના ૨૩,૦૦૦ અને કલકત્તાના સૌથી વધારે ૨૫,૦૦૦ રૂપિયા
- જયપુરના ૧૯,૭૦૦ રૂપિયા અને ભુજના ૧૮,૨૦૦ રૂપિયા
હવે જ્યારે વર્ષ વિદાય લેવાનું છે અને નવા વર્ષને વધાવવા મુંબઈગરાઓ પ્લાન કરી રહ્યા છે ત્યારે વિવિધ ઍરલાઇન્સોએ ટિકિટના રેટ રૉકેટગતિએ વધારી દીધા છે. સામાન્ય સંજાગોમાં મુંબઈ-અમદાવાદની ટિકિટ ૫૫૦૦ રૂપિયામાં મળતી હોય છે, પણ એના માટે ૨૧,૦૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એ જ રીતે ગોવા માટે ૬૦૦૦ રૂપિયાની સામે ૨૦,૧૦૦ રૂપિયા, જયપુરના ૪૭૦૦ રૂપિયા સામે ૧૯,૭૦૦ રૂપિયા, ભુજના ૫૩૦૦ રૂપિયાની સામે ૧૮,૨૦૦ રૂપિયા અને દિલ્હી માટે ૬૫૦૦ રૂપિયાની સામે ૨૩,૦૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. નવાઈની વાત એ છે કે સૌથી વધુ ઉછાળો કલકત્તાની ટિકિટમાં થયો છે. સામાન્ય રીતે ૪૪૦૦ રૂપિયામાં મળતી ઍરટિકિટ અત્યારે ૨૫,૦૦૦ રૂપિયામાં મળી રહી છે.
આ હદે ટિકિટોના ભાવમાં વધારો થવાને લીધે એની સામે નારાજગી વ્યક્ત કરીને મુંબઈ ગ્રાહક પંચાયતે સવાલ કર્યો છે કે ઍરટિકિટના ભાવ નિયંત્રણમાં રહે એ માટે સરકારે શું પગલાં લીધાં છે?
તહેવારોની સીઝનમાં ઍરટિકિટના બે-ત્રણ અને ચારગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે એ વિશે વાત કરતાં મુંબઈ ગ્રાહક પંચાયતના શિરીષ દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍરલાઇન્સો મનફાવે એમ ચાર્જ કરી રહી છે. તહેવારોમાં ડિમાન્ડ વધતી હોવાથી તેઓ એનો ફાયદો ઉઠાવી રહ્યા છે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી અને સિવિલ એવિયેશન મિનિસ્ટ્રીને અમારો સીધો સવાલ છે કે ઍરફેર પર નિયંત્રણ મૂકવા કોઈ ઑથોરિટી છે ખરી? ઍરટિકિટના ભાવ પર નિયંત્રણ રાખવા સિવિલ એવિયેશન મિનિસ્ટ્રી શું કરી રહી છે? ’
ADVERTISEMENT
મુંબઈ ગ્રાહક પંચાયતે આ મુદ્દે મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સ અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીને બે પત્ર પણ લખ્યા છે. શિરીષ દેશપાંડેએ વધુમાં કહ્યું હતું કે ‘અમે માનીએ છીએ કે કેટલાક રૂટ પર ડિમાન્ડની સામે સપ્લાય ઓછી છે અને ફ્યુઅલના ભાવ પણ વધ્યા છે, પરંતુ એનો મતલબ એ નથી કે ટિકિટોના ભાવ આટલી હદે વધારી દેવાય. જાન્યુઆરીમાં ફરીથી ટિકિટોના ભાવ મૉર્મલ થઈ જશે. ઍરલાઇન્સ તરફથી એવું કહેવામાં આવે છે કે ફ્યુઅલના ભાવમાં વધારો થયો હોવાથી ટિકિટના ભાવમાં વધારો કરવો પડ્યો છે, તો મારું તેમને એ પૂછવું છે કે ફ્યુઅલના ભાવ ઘટે છે ત્યારે તેઓ ટિકિટના ભાવ ઘટાડીને એનો ફાયદો ગ્રાહકોને આપે છે?’