સંતોષ દેશમુખની હત્યાના કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોર્ટમાં દાવો રજૂ કર્યો : MCOCA લગાવ્યા બાદ વાલ્મીક કરાડને રજૂ કરવામાં આવતાં કોર્ટે ૭ દિવસની કસ્ટડી આપી
સંતોષ દેશમુખ
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું અપહરણ કરીને હત્યા કરવાના મામલામાં રાજ્યના કૅબિનેટ પ્રધાન ધનંજય મુંડેના નજીકના ગણાતા વાલ્મીક કરાડ સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) લગાડવામાં આવ્યા બાદ ગઈ કાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપીઓએ એક એનર્જી કંપની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી વસૂલવાનો પ્લાન કર્યો હતો જેમાં સરપંચ સંતોષ દેશમુખ આડે આવતો હોવાથી તેને પતાવી દેવામાં આવ્યો. સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી ત્યારે વાલ્મીક કરાડ આરોપીના સંપર્કમાં હતો. તેમની વચ્ચે મોબાઇલ પર ૧૦ મિનિટ વાત થઈ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. બીડની સ્પેશ્યલ કોર્ટે SIT અને આરોપીના વકીલોની દલીલો સાંભળીને આરોપી વાલ્મીક કરાડને ૭ દિવસની પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.