આ પ્રસંગે મુંબઈમાં બિરાજમાન ગચ્છાધિપતિઓ અને આચાર્યભગવંતો સંઘોને માર્ગદર્શન અને પ્રેરણા આપશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ૧૧૦૦થી અધિક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘોનું મહામિલન શનિવાર ૯ નવેમ્બરે બપોરના બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગોરેગામના જવાહરનગરમાં આવેલા શ્રી ગુંડેચા જૈન ઉપાશ્રયમાં જૈનોના ગચ્છાધિપતિઓ અને જૈનાચાર્યોની નિશ્રામાં યોજવામાં આવ્યું છે જેમાં જૈન સંઘોનાં ભાવિ આયોજનો પર, વિઝન અને મિશનના રોડમૅપ પર વિચારવિમર્શ તેમ જ ચર્ચાવિચારણા કરવામાં આવશે.
મુંબઈ જૈન સંગઠન અને મહાસંઘના સક્રિય કાર્યકર અતુલ વ્રજલાલ શાહે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મહામિલનમાં મુંબઈના દરેક સંઘના બે-બે પ્રતિનિધિઓ હાજર રહેશે જેમને રાષ્ટ્રધર્મ, સંસ્કૃતિની રક્ષા, સંઘશાસન સુરક્ષા, તીર્થરક્ષા અને યુવા પેઢીને ધર્મ માટે સંલગ્ન કરવા તેમ જ વીરપ્રભુનાં સ્થાવર-જંગમ અપ્રગટ સત્યોને સમગ્ર વિશ્વમાં પ્રચાર અને પ્રસાર કરવા પર માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જૈનોના પ્રાચીન ગ્રંથોનું સંરક્ષણ અને સંવર્ધન કેમ કરવું એનું માર્ગદર્શન આપવામાં આવશે તથા સાધર્મિકોના આર્થિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્થાન માટે વિશેષ વિચારણાઓ કરવામાં આવશે.’
ADVERTISEMENT
આ મહામિલનમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ, પરમ પૂજ્ય કલાપૂર્ણસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ કલ્પતરુસૂરીશ્વરજી મહારાજસાહેબ, ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજસાહેબ સહિત ૧૧ આચાર્યભગવંતો હાજરી આપીને સંઘોને માર્ગદર્શન અને પ્રેરણા આપશે.