પહેલાં વસઈનો ફ્લૅટ ભાડા પર આપીને મીરા રોડ જતાં રહ્યાં હોવાનું કહ્યું હતું : આફતાબ જ્યાં-જ્યાં રહ્યો હતો એ તમામ સોસાયટીના સેક્રેટરી, ચૅરમૅન અને ફ્લૅટના ઓનરની દિલ્હી પોલીસે કરી પૂછપરછ
Shraddha Walkar Murder
આફતાબનાં માતા-પિતા
વસઈની શ્રદ્ધા વાલકરના મર્ડરકેસની તપાસમાં દિલ્હી પોલીસ વસઈ આવ્યા બાદ સતત તપાસ અને પૂછપરછ કરીને ઝીણવટભરી માહિતી ભેગી કરી રહી છે. દિલ્હી પોલીસે વસઈ આવતાંની સાથે જ પહેલાં શ્રદ્ધાના તમામ મિત્રો અને મલાડના કૉલ સેન્ટરના મૅનેજરની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ ગઈ કાલે આફતાબ જ્યાં-જ્યાં રહ્યો હતો એ તમામ સોસાયટીના ચૅરમૅન, સેક્રેટરી, ફ્લૅટઓનર અને એસ્ટેટ એજેન્ટને બોલાવીને તેમની પૂછપરછ કરી હતી તેમ જ અમુક સોસાયટીના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ સુધ્ધાં મેળવ્યાં છે. ઉલ્લેખનીય છે કે આફતાબને દિલ્હી પોલીસે પકડ્યો એના ૧૫ દિવસ પહેલાં જ તેનાં માતા-પિતા અને ભાઈ વસઈનો ફ્લૅટ ભાડા પર આપીને મીરા રોડ જતાં રહ્યાં હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તેમણે હવે મીરા રોડ પણ છોડી દીધું હોવાનું કહેવાઈ રહ્યું છે.
દિલ્હી પોલીસ અને વસઈની માણિકપુર પોલીસે શ્રદ્ધા મર્ડરકેસની તપાસમાં કડીઓ જોડાય એ માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. દિલ્હી પોલીસ વસઈમાં આવતાં જ એણે શ્રદ્ધાના મિત્ર જેણે તેના પપ્પાને સંપર્ક થતો ન હોવાની જાણ કરી હતી તેની અને શ્રદ્ધાના મિત્ર ગોડવિન, રાહુલ રૉય, શિવાની મ્હાત્રે, કૉલ સેન્ટરના મૅનેજર એમ બધાને બોલાવીને પૂછપરછ કરી હતી. ગઈ કાલે પોલીસે તપાસને મદદ મળી રહે એ માટે આફતાબ જ્યાં રહ્યો હતો એ તમામ સોસાયટીઓમાં પણ પૂછપરછ કરીને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવી રહી છે.
ADVERTISEMENT
વસઈ-વેસ્ટના દિવાનમાન યુનિક પાર્કમાં બિલ્ડિંગ-સીમાં ૩૦૧ નંબરના ફ્લૅટમાં અમીન પૂનાવાલા તેમની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. આ પરિવાર વર્ષોથી અહીં જ રહેતો હતો. ખોજા મુસ્લિમ સમાજનો આ પરિવાર છે. આફતાબ અને તેનો પરિવાર જ્યાં વર્ષોથી રહેતા હતા એ વસઈ-વેસ્ટના દિવાનમાન યુનિક પાર્કના સેક્રેટરી અબદુલ્લા ખાને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ પરિવાર વીસ વર્ષથી વધુ સમયથી અહીં જ રહે છે. આફતાબ તો કોઈની સાથે વાત કરતો નહોતો, પરંતુ પૂનાવાલા દંપતી બધા સાથે વાત કરતું હતું. આ બનાવ બહાર આવ્યાના ૧૫ દિવસ પહેલાં જ આ પરિવાર બીજે રહેવા જતો રહ્યો હતો. તેમને પૂછતાં તેમના નાના દીકરાની દહિસર બાજુએ નોકરી લાગી હોવાથી અને અવરજવર કરતાં મુશ્કેલી પડી રહી હોવાથી શિફ્ટ થવાની વાત કરી હતી. જોકે તેઓ ચોક્કસ ક્યાં જાય છે એ કહ્યું નહોતું. ગઈ કાલે અમારી સોસાયટીના સેક્રેટરી અને ચૅરમૅન સાથે આફતાબ અમારી સોસાયટી છોડીને ગયા બાદ ક્યાં-કયાં રહેતો હતો એ તમામ નાયગાંવ, એવરશાઇન વગેરે સોસાયટીના ફ્લૅટઓનર, સેક્રેટરી, ચૅરમૅન સહિત જેમણે ઘર ભાડા પર અપાવ્યું એ એસ્ટેટ એજન્ટને પોલીસે બોલાવ્યા હતા અને બારીકાઈથી પૂછપરછ કરીને સ્ટેટમેન્ટ લીધું હતું.’
યુનિક પાર્ક સોસાયટીમાં રહેતા એક રહેવાસીના જણાવ્યા પ્રમાણે પૂનાવાલા પરિવાર મીરા રોડ છોડીને બીજે રહેવા ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંપતરાવ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દિલ્હી પોલીસ તેમને કેસમાં લાગતી વિવિધ પ્રકારની માહિતી ભેગી કરી રહી છે. એ વસઈમાં ક્યાં-ક્યાં રહેતા હતા, મિત્રો સાથે શું વાત થઈ જેવી નાની-નાની માહિતી લઈ રહી છે. કેસની તપાસમાં પોલીસ આફતાબનાં માતા-પિતાને શોધીને તેમની પણ પૂછપરછ કરશે.’