આખા દેશને હચમચાવી દેનારી શ્રદ્ધા વાલકરની હત્યા બાદ ગઈ કાલે પહેલી વાર તેના પપ્પાએ પ્રેસ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી. તેમણે કહ્યું કે વસઈ પોલીસે શ્રદ્ધાની ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આજે કદાચ તે જીવતી હોત
Shraddha Walkar Murder
ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાંથી બહાર આવી રહેલા શ્રદ્ધાના પપ્પા વિકાસ વાલકર અને તેમને આ સંઘર્ષમાં મદદ કરનાર બીજેપીના નેતા કિરીટ સોમૈયા (તસવીર : અતુલ કાંબળે)
વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના મૃતદેહના ૩૫ ટુકડા કરવાના ચોંકાવનારા કેસમાં દિલ્હી પોલીસ શ્રદ્ધાના પ્રેમી આફતાબ પૂનાવાલાની તપાસ કરી રહી છે ત્યારે શ્રદ્ધાના પિતાએ ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે પોલીસે અગાઉ શ્રદ્ધાની ફરિયાદની તપાસ કરી હોત તો આજે તે જીવતી હોત.
શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકરે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાની હત્યામાં સહયોગ આપવાનું કહ્યું છે. શ્રદ્ધાએ પહેલાં કરેલી ફરિયાદ વખતે પોલીસે સહયોગ કર્યો હોત તો આજે તે જીવતી હોત. પોલીસની બેદરકારીથી શ્રદ્ધાનો જીવ ગયો. બીજું, કેટલીક મોબાઇલ ઍપ્લિકેશન યુવાનોમાં મુશ્કેલી સર્જી રહી છે. એમની સામે કાર્યવાહી થવી જોઈએ. મારી પુત્રીની હત્યાના કેસમાં બરાબર તપાસ થવી જોઈએ અને આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.’
ADVERTISEMENT
વિકાસ વાલકરે વધુમાં કહ્યું હતું કે ‘આરોપી આફતાબના પરિવારજનો અને આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકોની તપાસ થવી જોઈએ. બાળકો ૧૮ વર્ષનાં થાય ત્યારે તેમનું કાઉન્સેલિંગ કરવાની સાથે તેમના પર નિયંત્રણ હોવું જોઈએ. મારી પુત્રી ૧૮ વર્ષથી મોટી હોવાથી તે અમને કહીને ગઈ હતી કે હવે હું વયસ્ક છું એટલે મને બધા નિર્ણયો લેવાનો અધિકાર છે. તે ગયા બાદ તેની હત્યા કરવામાં આવી છે. આવું બીજાઓ સાથે ન થાય એ માટે હું આવું કહી રહ્યો છું.’
શ્રદ્ધાના પિતાએ આગળ કહ્યું હતું કે ‘૨૦૧૯માં શ્રદ્ધાએ પોલીસને પત્ર લખીને તેને જીવનું જોખમ હોવાની જાણ કરી હતી. પોલીસે ૨૦ દિવસ સુધી તેની ફરિયાદ પર કોઈ કામ નહોતું કર્યું. પોલીસને લખેલા પત્રમાં શ્રદ્ધાએ સ્પષ્ટ લખ્યું હતું કે આફતાબે ગળું દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, બ્લૅકમેઇલ કરવાની સાથે મારી હત્યા કરીને મારા શરીરના ટુકડા કરવાની ધમકીઓ આપી રહ્યો છે. છ મહિનાથી તે મારપીટ કરી રહ્યો છે, પરંતુ તેણે પોલીસમાં ગઈ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી પોલીસમાં જતાં ડર લાગી રહ્યો છે. શ્રદ્ધાના આ પત્ર પર પોલીસે કેમ કોઈ પગલાં નહોતાં લીધાં.’