Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

હત્યા પછી પણ હવસ?

Published : 16 November, 2022 12:08 PM | Modified : 16 November, 2022 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધાની હત્યા કર્યા બાદ જાણે કંઈ જ ન બન્યું હોય એમ નરાધમ આફતાબે તેની બીજી ગર્લફ્રેન્ડ સાથે એ જ ફ્લૅટમાં શારીરિક સંબંધ બાંધ્યો હોવાની શક્યતા

ગઈ કાલે દિલ્હી પોલીસ આફતાબ પૂનાવાલાને છત્તરપુરના જંગલમાં તપાસ માટે લઈ ગઈ હતી (તસવીર : પી.ટી.આઇ.)

Shraddha Walkar murder

ગઈ કાલે દિલ્હી પોલીસ આફતાબ પૂનાવાલાને છત્તરપુરના જંગલમાં તપાસ માટે લઈ ગઈ હતી (તસવીર : પી.ટી.આઇ.)


વસઈની ૨૯ વર્ષની પ્રેમિકા શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા દિલ્હીમાં જુદા-જુદા સ્થળે ફેંકવાની ચોંકાવનારી ઘટનાના આરોપી આફતાબ પૂનાવાલાની પોલીસે ધરપકડ કર્યા બાદ અત્યંત ચોંકાવનારી વાતો સામે આવી છે. કૉલ સેન્ટરમાં ઓળખાણ થયા બાદ પ્રેમમાં પડેલી શ્રદ્ધાને પોતાની જાળમાં ફસાવતાં પહેલાં આફતાબે અનેક યુવતીઓને એક ડેટિંગ ઍપના માધ્યમથી ફસાવી હોવાનું જાણવા મળ્યું છે. શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ટુકડા ફ્રિજમાં છુપાવીને રાખ્યા હતા એ સમય દરમ્યાન આફતાબે ડેટિંગ ઍપથી ફસાવેલી એક સાઇકોલૉજિસ્ટ યુવતીને ફ્લૅટમાં બોલાવીને તેની સાથે રોમૅન્સ કર્યો હોવાનું ધ્યાનમાં આવતાં દિલ્હી પોલીસે આ યુવતીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર થવાના સમન્સ મોકલ્યા છે. આ યુવતીની પૂછપરછ થયા બાદ શ્રદ્ધાની હત્યાની વધુ વિગત સામે આવી શકે છે.


વસઈમાં નજીકમાં જ રહેતા આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાલકર મુંબઈમાં એક કૉલ સેન્ટરમાં કામ કરતાં હતાં ત્યારે તેમની ઓળખાણ થઈ હતી. ઓળખાણ મિત્રતામાં બદલાયા બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. શ્રદ્ધાએ આફતાબ સાથે લગ્ન કરવા માટે પરિવારને કહ્યું હતું, પરંતુ બંનેના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો એટલે બન્ને દિલ્હી ભાગી ગયાં હતાં અને દિલ્હીના છતારપુરમાં એક ફ્લૅટ ભાડે રાખીને લિવ-ઇન રિલેશનમાં રહેતાં હતાં.



શ્રદ્ધાનો ફોન બંધ આવતો હોવાથી શંકા જતાં તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં જણાઈ આવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને પોલીસની નજરથી બચવા માટે તેના શરીરના ૩૫ ટુકડા કરીને ફ્રિજમાં છુપાવી રાખ્યા હતા અને મોડી રાત્રે તે એક-બે ટુકડા જુદી-જુદી જગ્યાએ સગેવગે કરતો હતો. અહીંની પોલીસે દિલ્હી પોલીસની મદદથી આફતાબની ધરપકડ કરી ત્યારે આ અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી.


જોકે આગળની તપાસમાં આનાથી પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. આફતાબ બબ્બલ નામની એક ડેટિંગ ઍપની મદદથી અનેક યુવતીના સંપર્કમાં હતો. આમાંની એક યુવતીને તો આફતાબે દિલ્હીમાં શ્રદ્ધા સાથે જે ફ્લૅટમાં રહેતો હતો ત્યાં બોલાવી હતી અને તેની સાથે રોમૅન્સ કર્યો હતો. આઘાતજનક વાત તો એ છે કે આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા ફ્રિજમાં રાખ્યા હતા ત્યારે જ તે બીજી યુવતી સાથે બેડરૂમમાં રોમૅન્સ કરતો હતો.

દિલ્હી પોલીસને આ વાતની જાણ થયા બાદ આફતાબના ફ્લૅટમાં પહોંચેલી સાઇકોલૉજિસ્ટ યુવતીની ઓળખ કરી લેવામાં આવી છે અને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો સમન્સ મોકલવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા મુજબ શ્રદ્ધા અને આફતાબની ઓળખાણ મુંબઈમાં મલાડ વિસ્તારમાં આવેલા કૉલ સેન્ટરની જૉબ દરમ્યાન થઈ હતી. જોકે એ પહેલાં પણ બંનેનો સંપર્ક બબ્બલ નામની એક ડેટિંગ ઍપથી થયો હતો. આફતાબે આ ઍપના માધ્યમથી શ્રદ્ધા સિવાય બીજી કેટલીક યુવતીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોવાની શક્યતા છે. આમાંની એક યુવતીની ઓળખાણ તો થઈ ગઈ છે, જ્યારે બીજી કેટલીક યુવતીઓને શોધવામાં આવી રહી છે.

ત્રીજી યુવતીને પણ ફસાવેલી?
શ્રદ્ધા વાલકરની હત્યાના કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આફતાબ પૂનાવાલાને શ્રદ્ધા સાથે પ્રેમ થયો એ પહેલાં આફતાબ બબ્બલ ડેટિંગ ઍપના માધ્યમથી દિલ્હીમાં રહેતી એક સાઇકોલૉજિસ્ટ યુવતીના સંપર્કમાં હતો. જોકે શ્રદ્ધા સાથેનો સંબંધ આગળ વધતાં આફતાબે દિલ્હીની યુવતી સાથેના સંબંધ ઓછા કરી નાખ્યા હતા. જોકે લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહેલી શ્રદ્ધાનું આફતાબે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને ટુકડા કરીને ફ્રિજમાં છુપાવ્યા હતા ત્યારે મુસીબતમાં મુકાયેલા આફતાબે દિલ્હીની સાઇકોલૉજિસ્ટ ફ્રેન્ડને યાદ કરી હતી અને તેને પોતાના ફ્લૅટમાં બોલાવી હતી. શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિજમાં હતો ત્યારે આફતાબે તેની દિલ્હીની ફ્રેન્ડ સાથે રોમૅન્સ કર્યો હતો. તપાસમાં જણાયું છે કે આફતાબે ત્રીજી એક યુવતીને પણ ડેટિંગ ઍપથી પટાવી લીધી હતી. જોકે તેની સાથે મોબાઇલ નંબર શૅર થાય એ પહેલાં જ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી.’

પોલીસ-કસ્ટડીમાં પણ ચોવીસ કલાક સીસીટીવી કૅમેરામાં નજરકેદ છે આફતાબ

લિવ-ઇન ગર્લફ્રેન્ડની હત્યા કરી તેના શરીરના ૩૫ ટુકડા કરીને દિલ્હીનાં જુદાં-જુદાં સ્થળોમાં ફેંકી દેનારો ઘાતકી હત્યારો આફતાબ પૂનાવાલા લૉક-અપમાં ચોવીસ કલાક ચાંપતી નજર હેઠળ છે. દક્ષિણ દિલ્હીના મેહરોલીના પોલીસ સ્ટેશનમાં ૨૮ વર્ષના આફતાબને અન્ય એક કેદી સાથે કોટડીમાં રાખવામાં આવ્યો છે. સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં તે બ્લૅન્કેટ ઓઢીને સૂતેલો જોવા મળ્યો હતો. બેથી ત્રણ પોલીસ તેની કોટડી બહાર બેસીને સતત તેની હિલચાલ પર નજર રાખે છે. અધિકારીઓ પણ કોટડીની બહાર પૅટ્રોલિંગ કરતા રહે છે. અદાલતના આગામી આદેશ સુધી આફતાબને પાંચ દિવસ સુધી અહીં રખાશે. આફતાબે જે રીતે તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલકરની હત્યા કરીને ઠંડા કલેજે તેની લાશના ૩૫ ટુકડા કરીને નિકાલ કર્યો અને મહિનાઓ સુધી આ અપરાધ પર પડદો પાડી રાખ્યો એ ઘટના સપાટી પર આવતાં સમગ્ર દેશમાં અરેરાટી મચી ગઈ છે. તાજેતરના સમયની આ સૌથી મોટી ધ્રુજાવી દેનારી હત્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2022 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK