મોટા ભાગની બૅન્કોમાં સામાન્ય જ સ્થિતિ જોવા મળી : ઘણી દુકાનોમાં ૨,૦૦૦ની નોટ સામે એનાથી વધુ ખરીદી કરવા કહ્યું
વિરારમાં બૅન્કમાં બપોર સુધી ઓછા ગ્રાહકો ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા આવ્યા હતા
૨,૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવાની જાહેરાત થતાં આરબીઆઇ સાથે બૅન્કોને પણ એવું લાગ્યું કે કસ્ટમરોની લાંબી લાઇન જોવા મળશે અને એ માટે કાઉન્ટરો પર તૈયારી સુધ્ધાં કરવામાં આવી હતી. જોકે એવું ન થતાં મુંબઈની મોટા ભાગની બૅન્કોમાં સામાન્ય જ સ્થિતિ જોવા મળે છે. જોકે અમુક કરિયાણાવાળા, રીટેલરો, ક્લોધિંગ શૉપ, નોટનો ફ્લો વધી જતાં અમુક પેટ્રોલ-પમ્પવાળા ૨,૦૦૦ રૂપિયાની નોટ લેતા નથી; જ્યારે અમુક દુકાનદારો લે છે. મોટા ભાગના રિક્ષાવાળા તો સીધા આ નોટ લેવાની જ ના પાડી દે છે અને કહી દે છે કે હમારા તો ઇતના ધંધા હૈ હી નહીં.
વસઈ-વિરાર સહિત ભાઈંદરના વિસ્તારોમાં ‘મિડ-ડે’એ તપાસ કરી તો અમુક રીટેલ અને ક્લોધિંગ શૉપ દુકાનો લેવાની ના પાડે છે, જ્યારે વિવિધ ખાનગી અને સરકારી બૅન્કોમાં નોટો બદલવા સામાન્ય ભીડ જ જોવા મળી હતી. વિરાર-વેસ્ટની એક રીટેલ શૉપના માલિકને ૨,૦૦૦ રૂપિયાની નોટ લેશો એમ પૂછતાં તેણે ૨,૦૦૦ રૂપિયાથી વધુનાં કપડાં ખરીદવાં પડશે એમ કહ્યું હતું. કૅકની શૉપમાં પણ વધુ સામાન લેશો તો જ ૨,૦૦૦ રૂપિયા લેશે એવું જણાવ્યું હતું. રિક્ષાવાળાને આ નોટ લેશો એમ પૂછતાં ઇતના ધંધા હી નહીં હોતા તો છુટ્ટા કહા સે લાએંગે એમ સીધું કહી દીધું હતું. વિરારના એક પેટ્રોલ-પમ્પ પર કામ કરતા કર્મચારીઓ ચાન્સ મળે ત્યારે ૨,૦૦૦ રૂપિયાની નોટ વટાવવા માગતા અમુક કસ્ટમરોને ૨,૦૦૦ રૂપિયા લઈને એની સામે ઓછાનું પેટ્રોલ ભરીને આપતા હોવાનું પણ જણાયું છે.
ADVERTISEMENT
ભાઈંદર-વેસ્ટના દેવચંદનગરમાં મીઠાઈની દુકાનમાં મીઠાઈ લેવા ગયેલા પ્રકાશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારે ગુજરાત જવું હોવાથી મીઠાઈની દુકાનમાંથી ખાણી-પીણીનો સામાન અને મીઠાઈ લઈ જવી હતી. એથી મેં ૮૦૦ રૂપિયાની ખરીદી સામે ૨,૦૦૦ રૂપિયાની નોટ આપી તો તેણે સીધું છુટ્ટા નહીં હૈ એવું કહી દીધું હતું. મેં તેને સમજાવ્યો તો મને કહી દીધું કે સામાન નહીં લોગે તો ભી ચલેગા. અડધો-પોણો કલાકની મગજમારી છતાં તેણે સામાન ન આપ્યો. અંતે સામાન લઈને મારે બીજી નોટ આપવી પડી હતી.’