આખરે ૨૭ જૂને કૃષ્ણા તિવારીની એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી
જે દુકાન પર કાર્યવાહી કરવામાં આવી એ નાલાસોપારાની દુકાન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નફરત કરનાર FDA ઑફિસર આરતી કાંબળી સામે લાંચ માગવાનો ગુનો નોંધાતાં સસ્પેન્ડ કરવામાં આવી.
નાલાસોપારામાં જેનરિક દવાની દુકાન ધરાવતા અશોક વિશ્વકર્માને તેમની દુકાનમાં વડા પ્રધાન મોદીનો ફોટો લગાડવો મોંઘો પડી ગયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નફરત કરતી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની મહિલા-ઑફિસર આરતી કાંબળીએ એ ફોટો ઉતારીને ફાડી નાખ્યો હતો. વળી અશોક વિશ્વકર્મા સામે કેટલીક બાબતોએ ગુનો નોંધી તેનું લાઇસન્સ પણ કૅન્સલ કરી નાખ્યું હતું. જોકે ત્યાર બાદ તેણે એ કેસ રફેદફે કરવા બે લાખ રૂપિયાની લાંચ માગતાં આ સંદર્ભે ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ કરવામાં આવી હતી અને એને પગલે તેના સાગરીતને લાંચ સ્વીકારતાં ઝડપી લેવાયો છે અને આરતી કાંબળીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હવે આરતી કાંબળીએ તેના ડિપાર્ટમેન્ટને અરજી કરીને કહ્યું છે કે તેનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે અને સાથે જ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે કે ઍન્ટિ-કરપ્શન બ્યુરોમાં તેની સામે નોંધાયેલો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ રદ કરવામાં આવે. સામે છેડે ફરિયાદી દુકાનદારે તેને સર્વિસમાંથી જ બરખાસ્ત કરવા FDA કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે.
આ કેસના ફરિયાદી અશોક વિશ્વકર્મા નાલાસોપારા-ઈસ્ટમાં નાગેલા તળાવ પાસે જેનરિક મેડિસિનનો સ્ટોર ચલાવે છે. જૂન મહિનામાં FDA ઑફિસર આરતી કાંબળી તેની દુકાન પર પહોંચી ગઈ હતી. એ વખતે બનેલી ઘટના વિશે માહિતી આપતાં અશોક વિશ્વકર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં દુકાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાડ્યો હતો એની તેને ચીડ ચડી હતી. તેણે ઉદ્ધતાઈથી કહ્યું કે મેડિકલ સ્ટોરમાં ચાવાળાનો ફોટો કેમ રાખ્યો છે? ત્યારે મેં તેને કહ્યું હતું કે તેઓ આપણા દેશના વડા પ્રધાન છે, તેમને ચાવાળો કહીને તેમનું અપમાન ન કરો. તો તે ભડકી ગઈ હતી અને તેણે કહ્યું હતું કે આ ચાવાળાએ દેશનો દાટ વાળ્યો છે, દેશને વેચી નાખ્યો છે, તે બંધારણની હત્યા કરી રહ્યો છે; જો તું તેનો ફોટો હમણાં ને હમણાં નહીં ઉતારે તો એનાં ગંભીર પરિણામ તારે ભોગવવાં પડશે. જોકે મેં એ માટે ના પાડી દેતાં તે મને ધમકી આપીને નીકળી ગઈ હતી.’
ADVERTISEMENT
અશોક વિશ્વકર્માએ FDA કમિશનરને લખેલા પત્રમાં એ પછીની ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે ‘આરતી કાંબળી ફરી ૧૪ જૂને મારી દુકાને પહોંચી ગઈ હતી અને નરેન્દ્ર મોદીનો ફોટો જોઈ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે એ ફોટો ઉતારીને ફાડી નાખ્યો હતો અને સ્ટોરનું ઇન્સ્પેક્શન કરીને નીકળી ગઈ હતી. ત્યાર બાદ ૨૭ ઑગસ્ટે મને FDA તરફથી કહેવામાં આવ્યું કે તમારી દુકાનની વિઝિટ વખતે ૧૭ જેટલાં વાયોલેશન મળી આવ્યાં છે એટલે તમારું લાઇસન્સ રદ કરવામાં આવે છે. એ સાથે જ પંચનામામાં નરેન્દ્ર મોદીનો ફોટો ઉતારી લેવામાં આવ્યો હતો એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.’
આરતી કાંબળીએ ત્યાર બાદ તેની પાસેથી લાંચ માગી એ બાબતે અશોક વિશ્વકર્માએ પત્રમાં જણાવ્યું હતું કે ‘કાંબળીના ખાનગી એજન્ટ કૃષ્ણા તિવારીએ ત્યાર બાદ મારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જો લાઇસન્સ રદ ન કરાવવું હોય તો મૅડમને બે લાખ રૂપિયા આપો. જોકે તડજોડના અંતે એક લાખ રૂપિયા નક્કી થયા હતા. લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી મેં ઍન્ટિ-કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી’
આખરે ૨૭ જૂને કૃષ્ણા તિવારીની એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરતી કાંબળીએે ધરપકડ થાય એ પહેલાં આગોતરા જામીન મેળવી લીધા હતા. જોકે એમ છતાં FDAએ તેને સસ્પેન્ડ કરી દીધી હતી.
આરતી કાંબળી વડા પ્રધાનને નફરત કરતી હોવાથી મારી સામે ખોટા આરોપ ઘડી કાઢીને કાર્યવાહી કરી હતી. બીજું રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ અને મેયર એ બધાં બંધારણીય પદ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પર નફરત કરવી એ ગંભીર સમસ્યા છે અને માટે તે (આરતી કાંબળી) સરકારી પદ પર ફરજ બજાવવા યોગ્ય નથી એટલે તેને સેવામાંથી તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે. - FDA કમશિનરને કરેલી અરજીમાં અશોક વિશ્વકર્માની માગણી