શૂટર સ્વપ્નિલ કુસાળેના પપ્પાએ મહારાષ્ટ્ર સરકાર પાસે કરી મોટી ડિમાન્ડ
કોલ્હાપુરના શૂટર સ્વપ્નિલ કુસાળે પિતા સાથે
કોલ્હાપુરના શૂટર સ્વપ્નિલ કુસાળેના પપ્પાએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમના દીકરાને આપવામાં આવેલી બે કરોડ રૂપિયાની પુરસ્કારની રકમ પર નિરાશા વ્યક્ત કરી છે. ૫૦ મીટર રાઇફલ થ્રી-પોઝિશન ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સ્વપ્નિલના પપ્પા સુરેશ કુસાળેએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હરિયાણા સરકાર તેના ઑલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓને કરોડો રૂપિયા આપે છે. મહારાષ્ટ્ર સરકારની નવી નીતિ અનુસાર ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ મેડલ વિજેતાને બે કરોડ રૂપિયા મળે છે. છેલ્લાં ૭૨ વર્ષમાં જ્યારે સ્વપ્નિલ મહારાષ્ટ્રમાંથી માત્ર બીજો વ્યક્તિગત ઑલિમ્પિક મેડલ વિજેતા છે ત્યારે રાજ્ય સરકાર શા માટે આવાં ધોરણો નક્કી કરે છે?’
છેલ્લે ૧૯૫૨માં મહારાષ્ટ્રમાંથી કુસ્તીબાજ કે. ડી. જાધવે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. સ્વપ્નિલના પપ્પાએ આગળ કહ્યું હતું કે ‘સ્વપ્નિલને ઇનામ તરીકે પાંચ કરોડ રૂપિયા અને બાલેવાડી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ પાસે ફ્લૅટ મળવો જોઈએ જેથી તે સરળતાથી પ્રૅક્ટિસ માટે આવી-જઈ શકે. આ સંકુલમાં ૫૦ મીટર રાઇફલ થ્રી-પોઝિશન શૂટિંગ એરિયાનું નામ સ્વપ્નિલના નામ પર રાખવું જોઈએ.’
ADVERTISEMENT
હરિયાણા સરકાર ગોલ્ડ મેડલ જીતનારને ૬ કરોડ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને ચાર કરોડ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલ વિજેતાને ૨.૫ કરોડ રૂપિયા આપે છે. મહારાષ્ટ્ર સરકાર આ માટે અનુક્રમે પાંચ કરોડ, ત્રણ કરોડ અને બે કરોડ રૂપિયાની ઇનામી રકમ આપે છે.