આરોપીએ કોના કહેવા પર અપહરણ કર્યું હતું એ સાથેની વિવિધ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચૈતન્યનું ઘર નજીક થયેલું અપહરણ, અકસ્માત પછી અપહરણકર્તાઓની કાર.
છત્રપતિ સંભાજીનગરની ચોંકાવનારી ઘટના: જોકે જાલનાના ભોકરદન નજીક કિડનૅપરોની કારને અકસ્માત નડ્યો એમાં તેઓ પકડાઈ ગયા
છત્રપતિ સંભાજીનગરના સેન્ટ્રલ મૉલ નજીકથી મંગળવારે રાતે ૭ વર્ષના ચૈતન્ય તુપેના અપહરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જાણીતા બિલ્ડરના પુત્રનું અપહરણ કરી કિડનૅપરોએ બે કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાની ફરિયાદ પણ છત્રપતિ સંભાજીનગરના પુંડલિકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોકે જે કારમાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું એ કારનો જાલના જિલ્લાના ભોકરદન નજીક અકસ્માત થતાં આરોપીઓ પોલીસને હાથ લાગી ગયા હતા. આરોપીએ કોના કહેવા પર અપહરણ કર્યું હતું એ સાથેની વિવિધ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
હાલમાં બાળક એકદમ સુરક્ષિત છે. આરોપીઓની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે એમ જણાવતાં પુંડલિકનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કુંદન જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ મૉલ નજીક રહેતા સુનીલ તુપે તેમના પુત્ર ચૈતન્ય સાથે મંગળવારે રાત્રે ભોજન બાદ આંટો મારવા નીકળ્યા હતા એ દરમિયાન તેમના ઘર નજીક એક કાળી ફોર-વ્હીલરમાં આવેલા ચાર જણ સુનીલની સામે જ ચૈતન્યનું અપહરણ કરી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદ અપહરણકર્તાઓએ ફોન કરી પૈસાની માગણી પણ કરી હતી. જોકે જાલના જિલ્લાના ભોકરદન નજીક અપહરણકર્તાની કારનો મોડી રાતે અકસ્માત થયો હતો જેની જાણકારી સ્થાનિક પોલીસને મળતાં તાત્કાલિક તેમણે ચારે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ હાલમાં ક્રાઇમ બ્રાન્ચના તાબામાં છે. તેઓ વધુ તપાસ કરી રહ્યા છે. જોકે બાળક હાલમાં એકદમ સુરક્ષિત છે.’

