ચોંકાવનારા આ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું : લોકોએ કાર-ડ્રાઇવરને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો
વાઈના બસ-સ્ટૅન્ડ પાસેના CCTVના ફુટેજમાં કારે પાંચ જણને ઉડાવ્યા હોવાનો વિડિયો કેદ થઈ ગયો છે.
મુંબઈગરાઓના ફેવરિટ હિલ-સ્ટેશન મહાબળેશ્વરની નજીકમાં આવેલા વાઈમાં શુક્રવારે બપોર બાદ પૂરપાટ વેગે જઈ રહેલી એક કારે રસ્તો ક્રૉસ કરી રહેલા એક બાળક સહિત પાંચ જણને ઉડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઍક્સિડન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં કારચાલકે લોકો રસ્તો ઓળંગી રહ્યા હોવાનું જોયા છતાં કાર ઊભી રાખવાને બદલે લોકોને અડફેટે લીધા હતા. કારની ટક્કર લાગતાં પાંચેય જણ હવામાં ફંગોળાયા હતા. આ ઘટનામાં રાજેન્દ્ર મોહિતે નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે બાકીના ચારને ઈજા થવાથી પોલીસે નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. લોકોએ કાર-ડ્રાઇવર હસન બોરવીને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો.