આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન ફડણવીસને લેટર લખીને કહ્યું...
આદિત્ય ઠાકરે
શહેરને કદરૂપું બનાવતાં પૉલિટિકલ હોર્ડિંગ્સ અને બૅનર્સના મુદ્દે ગયા અઠવાડિયે બૉમ્બે હાઈ કોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રાજકીય પાર્ટીઓ સામે કોઈ ઍક્શન લેવાને બદલે પ્રિન્ટરને નોટિસ મોકલવાનું નક્કી કર્યા બાદ ગઈ કાલે આ બાબતે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શહેરને હોર્ડિંગ્સ અને બૅનર્સથી મુક્ત કરવાની અપીલ કરી હતી. એની સાથે તેમણે ‘નો બૅનર્સ’ અભિયાનમાં પૂરો સહયોગ કરવાની પણ તૈયારી બતાવી હતી.
વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસજીને લેટર લખીને કહ્યું છે કે તે તમામ પૉલિટિકલ પાર્ટી અને સામાજિક સંસ્થાઓને શહેરમાં હોર્ડિંગ્સ નહીં લગાડવાની અપીલ કરવાની પહેલ કરે. અમારી પાર્ટી મુખ્ય પ્રધાનને આ બાબતે સંપૂર્ણ ટેકો આપશે જો તેઓ ‘નો બૅનર્સ’ અભિયાનને અમલમાં મૂકશે.’