શિવસેનાના સત્તાસંઘર્ષનો સુપ્રીમ કોર્ટમાં ગમે ત્યારે ચુકાદો આવી શકે છે : એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠેરવાય તો એનસીપીની મદદથી સરકાર કાયમ રાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે : નાગાલૅન્ડની પૅટર્ન મુજબ એનસીપી સરકારને સમર્થન આપે એવી શક્યતા
પ્રતીકાત્મક તસવીર
એનસીપીના ચીફ શરદ પવારે અદાણી મામલે જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (જેપીસી) બનાવવાની માગણી, સ્વતંત્રતાસેનાની વીર સાવરકરનું અપમાન, ઈવીએમ મુદ્દે વિરોધ પક્ષોથી જુદું વલણ રાખવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપતી વખતે વિશ્વાસમાં નહોતા લીધા એવાં નિવેદનો આપ્યાં છે. એટલું જ નહીં, પક્ષનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવ્યા બાદ શરદ પવાર બીજેપી સાથે મળીને રાજ્યમાં ફરી સત્તામાં સામેલ થવા માટેના પ્લાન પર કામ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. શિવસેનાના સત્તાસંઘર્ષનો સુપ્રીમ કોર્ટમાં અનામત રાખવામાં આવેલો ચુકાદો ગમે ત્યારે આવી શકે છે અને એમાં જો એકનાથ શિંદે સહિતના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરે તો સરકાર બચાવવા માટે બીજેપીને આટલા વિધાનસભ્યોની જરૂર પડશે એટલે બીજેપી પણ એનસીપી સાથે હાથ મિલાવી શકે છે. તાજેતરમાં નાગાલૅન્ડમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ સહયોગી પક્ષો સાથે સરકાર બનાવી હતી ત્યારે એનસીપીના સાત વિધાનસભ્યોએ પણ સરકારને સમર્થન આપીને સૌને ચોંકાવી દીધા હતા. આવો જ પ્રયોગ મહારાષ્ટ્રમાં થઈ શકે છે.
એનસીપીના સુપ્રીમો શરદ પવાર ક્યારે શું કરશે એ કોઈ કહી ન શકે. એક તરફ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો સામનો કરવા માટે વિરોધ પક્ષો એકત્રિત થવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી, વીર સાવરકરનું અપમાન, અદાણીની જેપીસી તપાસ અને ઈવીએમના મામલે જુદો રાગ આલાપ્યો છે. આથી વિરોધીઓના બીજેપીને કેન્દ્રમાં ચોતરફ ઘેરવાના પ્લાનમાં શરદ પવારે ફાચર મારી છે. બીજી બાજુ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની રાજ્ય સરકાર સામે પ્રતિકાર કરવા માટે મહાવિકાસ આઘાડી પક્ષો દ્વારા વજ્રમુઠ જાહેર સભાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે શરદ પવારના ભત્રીજા અને રાજ્યના વિરોધ પક્ષના નેતા અજિત પવાર બે દિવસ રહસ્યમય રીતે ગાયબ થવાથી લઈને તેઓ ૧૬ વિધાનસભ્યો સાથે બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવાઈ રહી છે. ગઈ કાલે બપોરે અજિત પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મળીને દોઢેક કલાક મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
અજિત પવાર ૧૬ વિધાનસભ્યો સાથે બીજેપીમાં જોડાવાની શક્યતા સામાજિક અને રાજકીય કાર્યકર અંજલિ દમણિયાએ ગઈ કાલે ટ્વીટ કરી હતી. એમાં તેમણે લખ્યું હતું કે ‘આજે મંત્રાલયમાં કોઈક કામ માટે ગઈ હતી. અહીં એક વ્યક્તિએ મને રોકી અને એક મજાની માહિતી આપી. તેના કહેવા મુજબ ૧૫ વિધાનસભ્યો અપાત્ર ઠરવાના છે અને અજિત પવાર બીજેપી સાથે જશે. આ જલદી જોવા મળશે. હજી કેટલી દુર્દશા મહારાષ્ટ્રના રાજકારણની થશે.’
અંજલિ દમણિયાની ટ્વીટથી ગઈ કાલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ખુદ અજિત પવારે એક વાક્યમાં જવાબ આપ્યો હતો કે આટલી મોટી વ્યક્તિ વિશે હું શું કહું?
શરદ પવારે મતભેદ વચ્ચે પણ સાથે રહેવાનું કહ્યું
બીજેપીને અનુકૂળ થાય એવાં શરદ પવારનાં નિવેદનોથી અસ્વસ્થ થઈ ગયેલા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે શરદ પવારના સિલ્વર ઓક બંગલામાં બેઠક બોલાવી હતી. એમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સાથે સાંસદ સુપ્રિયા સુળે અને સંજય રાઉત પણ હાજર રહ્યાં હતાં અને ચારેય વચ્ચે સવા કલાક ચર્ચા થઈ હતી. આ બેઠકની ચર્ચા જાહેર નથી કરાઈ, પણ બંને પક્ષનાં સૂત્રો મુજબ ચર્ચાનો એજન્ડા વિવાદાસ્પદ મુદ્દા બાબત હતો. આ બેઠકમાં કૉન્ગ્રેસના કોઈ નેતા નહોતા. રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સાત વજ્રમુઠ સભાનું આયોજન કરાયું છે. છત્રપતિ સંભાજીનગરમાં આવી પહેલી સભા બાદ બીજી સભા આવતી કાલે નાગપુરમાં થશે. ઉદ્ધવ ઠાકરે દ્વારા પહેલી સભામાં કૉન્ગ્રેસના નાના પટોલે સામેલ નહોતા થયા એવી ભૂલ બીજી સભામાં ન થાય અને બધા એકજૂથ રહે તેમ જ મહાવિકાસ આઘાડીના નેતાઓ વચ્ચે મતભેદ ન ઊભો થવો જોઈએ એવો મત શરદ પવાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. શરદ પવારે આ સમયે એવું કહ્યું હોવાનું મનાય છે કે મહાવિકાસ આઘાડીના નેતાઓમાં મતભેદ હશે તો પણ બધાએ સાથે રહેવું પડશે.
સાખર કારખાના સ્કૅમમાં અજિત પવાર, પત્નીને ઈડીની ક્લીન-ચિટ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા જરંડેશ્વર સાખર કારખાનાની બે કંપનીના સ્કૅમની તપાસ કરવામાં આવી હતી. આમાંથી એક કંપનીમાં ૨૦૦૪થી ૨૦૦૮ સુધી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર ડિરેક્ટર હતાં. આ પ્રકરણમાં અજિત પવાર અને તેમનાં પત્ની સુનેત્રા સામે લાંબી તપાસ કરવામાં આવી હતી. ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં જગદીશ કદમ, અજય કાંગરાલકર, રાજેન્દ્ર ઘાડગે, ગજાનન પાટકર વગેરે ડિરેક્ટર હતા તેમનાં નામ નોંધ્યાં છે; પણ અજિત પવાર અને સુનેત્રા પવારના નામનો ઉલ્લેખ નથી કરાયો. તેમનાં નામ શા માટે કાઢવામાં આવ્યાં? શું બીજેપી ઈડીનો ડર બતાવીને અજિત પવારનો ઉપયોગ સરકાર સંકટમાં મુકાશે તો બચાવવા માટે કરશે? જોકે અજિત પવારે આ વિશે કહ્યું હતું કે તેમને કોઈ ક્લીન-ચિટ નથી અપાઈ.
અજિત પવાર મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને મળ્યા
અજિત પવાર બીજેપીમાં સામેલ થવાનો દાવો અંજલિ દમણિયાએ ટ્વીટ દ્વારા કર્યા બાદ ગણતરીના કલાકમાં જ વિરોધ પક્ષના નેતા અજિત પવાર સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. સવા કલાક બાદ અજિત પવાર સહ્યાદ્રિમાંથી બહાર નીકળ્યા હતા. તેમણે બાદમાં કહ્યું હતું કે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને થયેલા નુકસાન બાબતની આ મુલાકાત હતી. જોકે અજિત પવાર અંદર શું વાત થઈ હતી એ છુપાવી રહ્યા છે.