આ મેદાનમાં વર્ષમાં ૪૫ કાર્યક્રમની પરવાનગી છે જે ૧૪ નવેમ્બરની સભા બાદ પૂરા થાય છે એટલે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ ફરી અરજી કરી હોવા છતાં તેમને મંજૂરી મળશે કે કેમ એ જોવું રહ્યું
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે
મરાઠીઓના ગઢ દાદરમાં આવેલા શિવાજી પાર્ક મેદાનનું ખૂબ મહત્ત્વ છે. ચૂંટણી હોય કે દશેરા, આ મેદાનમાં જાહેર સભા કરવા માટે શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતાઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષથી લડાઈ ચાલી રહી છે. ઉદ્ધવ અને રાજ ઠાકરેના પક્ષોએ વિધાનસભાની આગામી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ૧૭ નવેમ્બરે જાહેર સભાની મંજૂરી મેળવવા અરજી કરી છે. જોકે શિવાજી પાર્કમાં વર્ષે ૪૫ કાર્યક્રમને જ પરવાનગી આપવામાં આવે છે, જે ૧૪ નવેમ્બરે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની સભાની સાથે જ પૂરી થાય છે. એ પહેલાં ૧૦ નવેમ્બરે એકનાથ શિંદેની શિવસેનાની અને ૧૨ નવેમ્બરે ભારતીય જનતા પાર્ટીની સભાને મંજૂરી આપવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચારનાં પડઘમ ૧૮ નવેમ્બરે શાંત થશે એના એક દિવસ પહેલાં રવિવાર છે એટલે ૧૭ નવેમ્બરે કોઈને શિવાજી પાર્ક મેદાન મળવાની શક્યતા ઓછી છે. જોકે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ફરી એક વખત જાહેર સભાની મંજૂરી મેળવવા માટે અરજી કરી છે. આ અરજીનો પ્રસ્તાવ આવતા અઠવાડિયે BMCના કમિશનરને મોકલવામાં આવશે. અંતિમ મંજૂરી માટે બાદમાં આ પ્રસ્તાવને રાજ્ય સરકારને મોકલવામાં આવશે. આથી આવતા અઠવાડિયે જ ખ્યાલ આવશે કે શિવાજી પાર્ક મેદાનમાં ચૂંટણીના અંતિમ પડાવમાં જાહેર સભા થશે કે નહીં અને થશે તો કોને પરવાનગી મળશે એ જોવું રહ્યું.