એવી માગણી કરતો પત્ર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ લખ્યો છે
ફાઇલ તસવીર
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકવાદી હુમલા થયા છે એને ધ્યાનમાં રાખીને અત્યારે ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રદ કરવામાં આવે એવી માગણી કરતો પત્ર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ લખ્યો છે. આ પત્રમાં માગણી કરવામાં આવી છે કે ભારતે અત્યારની જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા અને હિંસાને ધ્યાનમાં રાખીને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મૅચ ન રમવી જોઈએ. વડા પ્રધાનને લખવામાં આવેલા આ પત્રને ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ પ્રધાન તેમ જ ક્રિકેટ બોર્ડને પણ માર્ક કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપમાં ભારતે પહેલી મૅચમાં પાકિસ્તાનને હરાવ્યું છે, પણ આગળના રાઉન્ડમાં બન્ને ટીમ વચ્ચે ફરી મુકાબલો થઈ શકે છે. બાળાસાહેબ ઠાકરેના સમયમાં ભારત પર વારંવાર આતંકવાદી હુમલો કરાવતાં પાકિસ્તાન સાથેની મૅચનો સતત વિરોધ કરવામાં આવતો હતો અને એક સમયે તો વાનખેડે સ્ટેડિયમની પિચ શિવસૈનિકોએ ખોદી નાખી હતી.