સવારના ધસારાના સમયે ભાઈંદરથી ઊપડતી ચર્ચગેટ લોકલ AC કરવાનો જબરદસ્ત વિરોધ, ગઈ કાલે સવારે ૮.૨૪ વાગ્યાની લોકલ નૉન-AC કરીને ફરી શરૂ કરાવવા એકનાથ શિંદેની શિવસેનાવાળા ભાઈંદર સ્ટેશન પહોંચી ગયા
રેલવેના અધિકારીઓ સાથે લોકોની સમસ્યાની ચર્ચા કરી રહેલા શિવસેનાના સ્થાનિક નેતાઓ.
ઘડિયાળના કાંટે ચાલતા મુંબઈગરાઓ માટે સવારના પીક-અવર્સમાં રેગ્યુલર ટ્રેન પકડવી કેટલી મહત્ત્વની હોય છે એ બધા જાણે છે. જો એક ટ્રેન મિસ થઈ જાય તો આખું શેડ્યુલ ખોરવાઈ જાય છે. વેસ્ટર્ન રેલવેએ ૨૭ નવેમ્બરથી ૧૩ નવી AC લોકલ ટ્રેન શરૂ કરી છે, જેમાં ભાઈંદરથી ચર્ચગેટ જતી સવારની ૮.૨૪ની લોકલ ટ્રેન હવે AC લોકલ કરી દેવામાં આવતાં ભાઈંદરવાસીઓ વીફર્યા છે. છેલ્લા બે દિવસથી રોષે ભરાયેલા ભાઈંદરવાસીઓ આ સંદર્ભે સ્ટેશન-માસ્ટરને રજૂઆત કરી રહ્યા હતા. હવે તેમના આંદોલનમાં એકનાથ શિંદેની શિવસેના જોડાઈ છે. શિવસેનાના કાર્યકરો ગઈ કાલે ભાઈંદર સ્ટેશને પહોંચી ગયા હતા અને પ્રવાસીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યાર બાદ તેમણે રેલવેને એક નિવેદન પણ આપ્યું છે.
આંદોલન કરી રહેલા ભાઈંદરવાસીઓનું કહેવું છે કે ‘બધા જ AC લોકલનો પાસ અફૉર્ડ ન કરી શકે. સવારના સમયે લોકલ ટ્રેનને બદલે AC લોકલ મૂકવાને લીધે એ લોકલના પ્રવાસી એમાં ટ્રાવેલ ન કરી શકે અને વિરારથી આવતી બીજી ટ્રેનોમાં ભયંકર ગિરદી હોવાથી એમાં ચડવા નથી મળતું. આવા સંજોગોમાં ભાઈંદરથી ઊપડતી ટ્રેન અમારા માટે વરદાનરૂપ હતી. અમે AC ટ્રેનની ખિલાફ નથી, પણ એ અમારી ટ્રેનના ભોગે તો ન જ હોવી જોઈએ.’
ADVERTISEMENT
ભાઈંદરવાસીઓની આ સમસ્યાને ઉજાગર કરી સમર્થન આપવા શિવસેનાના સમર્થકો મોટી સંખ્યામાં ગઈ કાલે ભાઈંદરના પ્લૅટફૉર્મ નંબર-૩ પર પહોંચી ગયા હતા અને તેમણે જોરદાર નારાબાજી કરી ૮.૨૪ની લોકલ ટ્રેન ફરી શરૂ કરવાની ઘોષણા કરી હતી. આ બાબતે થાણેના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ રેલવેપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે.