શિવસેનાનું નામ અને ચિહ્ન એકનાથ શિંદેને સોપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે રોષે ભરાયા છે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)માં ચૂંટણી પંચ (Election Commission)એ શિવસેના (Shiv Sena) પાર્ટીનું નામ અને ધનુષ અને તીરનું ચૂંટણી ચિહ્ન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના પ્રતિસ્પર્ધી એકનાથ શિંદે (Eknath SHinde)ને આપ્યું છે. તેના એક દિવસ બાદ શનિવારે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નું ગુલામ છે. તેણે એવું કંઈક કર્યું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી.’
શુક્રવારે ચૂંટણી પંચે શિવસેના પાર્ટીનું નામ અને ધનુષ અને તીરનું ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદેને આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ તેમના સમર્થકોને ધીરજ રાખવા અને આગામી ચૂંટણીની તૈયારી કરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈની શહેરી સંસ્થા પાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. પાર્ટીના કાર્યકરોએ ઠાકરે પરિવારના ઘર માતોશ્રીની બહાર શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે તેમની કારનું સનરૂફ ખોલીને બહાર ઉભા રહ્યા હતા. આ રીતે લોકોને સંબોધિત કરીને તેમણે પિતા બાળ ઠાકરે (Bal Thackeray)ની પરંપરાનું પાલન કર્યું. બાળ ઠાકરે પાર્ટીના શરૂઆતના દિવસોમાં પોતાની કારની છત પરથી અનુયાયીઓને સંબોધતા હતા. ત્યારે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને તેમને કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુલામ છે. એટલે તેણે એવું કંઈક કર્યું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી.’
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ ચોરાઈ ગયું છે અને ‘ચોર’ને પાઠ ભણાવવાની જરૂર છે.
ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો આપતા ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિદેને તેમના પિતાએ વર્ષ ૧૯૬૬માં સ્થાપેલી પાર્ટીની ઓળખ સોંપી હતી. શિંદેએ લગભગ આઠ મહિના પહેલા ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવી હતી.
ઉદ્ધવ ઠાકરેની ટીમે ચૂંટણી પંચને આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું છે કે, તે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. શિવસેનાના બે જૂથો વચ્ચે પક્ષ પર સત્તાને લઈને ચાલી રહેલા ઝઘડાના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
આ પણ વાંચો - સત્ય, લોકતંત્ર અને બાળાસાહેબના વિચારોની જીત, શિવસેના નામ અને ચિહ્ન મળ્યા બાદ CM
એકનાથ શિંદેએ જૂન ૨૦૨૨માં પાર્ટીમાં બળવો કર્યો હતો. તેઓ ભાજપની મદદથી શિવસેનાના ૪૦થી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લઈ ગયા હતા. ભાજપે એકનાથ શિંદે સાથે મળીને આખરે ઉદ્ધવ ઠાકરેની સરકારને તોડી પાડી હતી. ઠાકરેની સરકારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો પણ સમાવેશ થતો હતો.
શિવસેનાને કાબૂમાં લેવા માટે લાંબી લડાઈ ચાલી. ચૂંટણી પંચે ૭૮ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિંદેને ધારાસભ્યોનું સમર્થન હતું અને પાર્ટીએ ૭૬ ટકા વિજેતા મતો મેળવ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જૂથ પાર્ટીનું નામ `શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે` અને ગયા વર્ષે આપેલું ચૂંટણી પ્રતીક `ધડકતી મશાલ` રાખી શકે છે.
આ પણ વાંચો - Shiv Sena: સુપ્રીમ કૉર્ટ જશે ઠાકરે જૂથ, `પાર્ટીની ચોરી શિંદેને પચશે નહીં`- ઉદ્ધવ
નોંધનીય છે કે, એકનાથ શિંદેએ ચૂંટણી પંચના નિર્ણયને "લોકશાહીની જીત" ગણાવી અને આ પગલાનું સ્વાગત કર્યું. ઉદ્ધવ ઠાકરેને "દેશદ્રોહી" કહેવા બદલ વિરોધ કરતા, તેમણે કહ્યું કે તેમણે "આત્મમંથન" કરવાની જરૂર છે.