સુપ્રીમ કોર્ટના આદેશથી શિવસેના પક્ષ બાબતની સુનાવણી ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી
ફાઇલ તસવીર
શિવસેનામાં ચાલી રહેલા સત્તાસંઘર્ષની સુનાવણી ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચમાં હાથ ધરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથના વકીલોએ તેમની દલીલો ગઈ કાલે કરી હતી. શિંદે જૂથના વકીલ મહેશ જેઠમલાણીએ ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ કરતી દલીલ કરતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરેએ ચૂંટણી પંચના આદેશ મુજબ ૧૯૯૯માં પક્ષનું બંધારણ બનાવ્યું હતું. એમાં પદાધિકારીઓની ચૂંટણીઓ યોજવાનું લખવામાં આવ્યું હતું. જોકે ઉદ્વવ ઠાકરેએ ૨૦૧૮માં આ બંધારણમાં છૂપી રીતે ફેરફાર કર્યો હતો, જેનાથી એકનાથ શિંદે નારાજ હતા અને તેમણે ઉદ્ધવ ઠાકરેથી જુદું જૂથ બનાવવાનો નિર્ણય લીધો હતો.’
સુપ્રીમ કોર્ટના આદેશથી શિવસેના પક્ષ બાબતની સુનાવણી ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબલે આ સમયે દલીલ કરી હતી કે પક્ષ સંબંધી અનેક મામલા અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે એટલે જ્યાં સુધી એનો નિકાલ ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચ શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન બાબતે અત્યારે કોઈ ફેસલો ન કરે. ચૂંટણી પંચે આ વિશે કંઈ કહ્યું નહોતું.
ADVERTISEMENT
જૂન ૨૦૨૨માં શિવસેના પક્ષની કાર્યકારિણી જાહેર કરવામાં આવી હતી ત્યારે એકનાથ શિંદેને પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. આથી શિવસેના-પ્રમુખનું પદ જ ગેરકાયદે છે અને એકનાથ શિંદે જ શિવસેનાના નેતા છે. ઉદ્ધવ ઠાકરેએ પક્ષના બંધારણમાં છૂપી રીતે ફેરફાર કર્યો હોવાથી નારાજ એકનાથ શિંદેએ તેમનાથી અળગા થઈને જુદું જૂથ બનાવવાનો નિર્ણય લીધો હતો. પક્ષના ૪૦ વિધાનસભ્યો, ૧૩ સાંસદ અને અસંખ્ય નગરસેવકો અને પદાધિકારીઓ આજે એકનાથ શિંદે સાથે છે એટલે તેમને જ પક્ષનું સુકાન સોંપવું જોઈએ.’
પક્ષ અને પક્ષના ચિહ્ન બાબતે ચૂંટણી પંચે કોઈ ફેંસલો નથી સંભળાવ્યો અને આગામી સુનાવણી ૧૭ જાન્યુઆરીએ કરવાનું કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં તારીખ પે તારીખ
એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ સાચી શિવસેના પોતાની હોવાનો દાવો કર્યો છે, જેને ઉદ્વવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ગયા વર્ષે જૂન મહિનાથી શિવસેના પક્ષ મેળવવા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે એની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈ કાલે વધુ એક સુનાવણી હાથ ધરાવાની હતી, પરંતુ પાંચ જજની ખંડપીઠે આ બાબતે આગામી સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ કરવાનું કહ્યું હતું. આથી આ મામલે ફરી તારીખ પડી છે.