હવે મલાડના શ્રી દેવકરણ મૂળજી દેરાસરના શતાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી થશે : પાયધુનીના શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટ સાથેના મતભેદો સંબંધી તમામ વિવાદોનો અંત આવતાં બુધવારથી શરૂ થશે ઉજવણી
મલાડમાં શ્રી દેવકરણ મૂળજી દેરાસરમાં શતાબ્દી ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે.
મુંબઈ : મલાડ-વેસ્ટમાં સ્ટેશનની બહાર આનંદ રોડ પર આવેલા ૧૦૦ વર્ષ જૂના શ્રી દેવકરણ મૂળજી દેરાસર તરીકે પ્રસિદ્ધ ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરના શતાબ્દી મહોત્સવની આવતા અઠવાડિયાથી ધામધૂમથી ઉજવણી થવાની છે ત્યારે દેરાસરના પદાધિકારીઓના માથે રહેલી ચિંતા દૂર થઈ જતાં હવે એનું સેલિબ્રેશન ડબલ જોમ, શ્રદ્ધા અને ભાવના સાથે થવા જઈ રહ્યું છે.
દેરાસરની મિલકત અને કારભારને લઈને પાયધુનીના શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટ અને મલાડના દેરાસર વચ્ચે મતભેદ પ્રવર્તી રહ્યો છે અને એને લઈને કાયદાકીય લડત પણ ચાલી રહી છે. જોકે શ્રાવકો માટે ગુડ ન્યુઝ એ છે કે શતાબ્દી મહોત્સવની આડે કોઈ અંતરાય આવે એ પહેલાં જ કોર્ટે મલાડના દેરાસરની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ ખુદ શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ આ મહોત્સવમાં ભાગ લેવાના છે. એટલું જ નહીં, ગોડીજી દેરાસરના ટ્રસ્ટીઓએ મલાડના દેરાસરના ટ્રસ્ટીઓનું આમંત્રણ અને મીઠાઈ બન્ને સ્વીકાર્યાં હોવાનું મોટા દેરાસર તરીકે જાણીતા મલાડના દેરાસરના પદાધિકારીઓએ જણાવ્યું હતું.
ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર ૫૫૦ સાધુ-સંતોની હાજરીમાં બુધવાર ત્રીજી મેથી ગુરુવાર ૧૧ મે સુધી શતાબ્દીવર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું છે. જોકે, એ પહેલાં જાન્યુઆરી મહિનામાં મુંબઈના ૨૦૦ વર્ષથી વધુ જૂના શ્રી ગોડીજી મહારાજ જૈન મંદિર અને સખાવતી સંસ્થા તરફથી મલાડના દેરાસરની જમીન અને મકાન બાંધકામો સાથેની સમગ્ર મિલકત સાઉથ મુંબઈના પાયધુનીમાં આવેલા શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટની હોવાનો અને મલાડના ગોડીજી જૈન દેરાસરની પ્રવૃત્તિઓનું સંચાલન આ ટ્રસ્ટ કરતું હોવાનો દાવો કરતી વર્તમાનપત્રોમાં નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી કોર્ટમાં શ્રી મલાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને અન્યો સામે રિસીવરની નિમણૂક માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. એને પરિણામે મલાડના જૈન સંઘોમાં અને જૈન સમાજ ચિંતામાં આવી ગયો હતો. જોકે કોર્ટે ૧૭ એપ્રિલે શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટની અરજીને રદબાતલ કરી આ અરજી ખોટી છે એમ કહીને પાયધુનીના શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ચૅરિટીઝને ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચની રકમ લોઅર પરેલના જમનાદાસ પ્રભુદાસ ચાલમાં આવેલા વેલ્ફેર ઑફ સ્ટ્રે ડૉગ્સમાં બે અઠવાડિયાંમાં ચૂકવવાનો આદેશ આપીને શતાબ્દી મહોત્સવ શાંતિપૂર્વક પાર પડે એ માટેના દરવાજા ખોલી નાખ્યા હતા.
જાન્યુઆરીની જાહેર સૂચના શું હતી?
પાયધુનીના શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી વર્તમાનપત્રની જાહેર સૂચનામાં તેમના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે ‘મલાડના શ્રી દેવકરણ મૂળજી દેરાસરની સંપૂર્ણ માલિકી શ્રી ગોડીજી મહારાજ જૈન ચૅરિટીઝ ઍન્ડ ટ્રસ્ટની છે, જેનું સંચાલન અમારા ટ્રસ્ટી તરફથી કરવામાં આવે છે. અમારા સિવાય કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કાર્યક્રમો, સંચાલન કે દેખરેખ કરવા માટે હકદાર નથી. હાઈ કોર્ટે ૨૦૧૫માં અમારા દ્વારા સ્થાપિત કાર્યવાહીમાં કેટલાક પ્રતિબંધોના આદેશ આપ્યા છે. એ સ્થાન પર ટ્રાન્સફર અને શરણાગતિ અથવા ટેનન્સી સહિતની મિલકત અમારી સ્પષ્ટ સંમતિ વિના કાયદાની નજરમાં કોઈ પણ વ્યવહારોને સમર્થન કે સ્વીકારવામાં આવશે નહીં. જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ કોઈ પણ કરાર, બિડિંગ અથવા કોઈ પણ પ્રવૃત્તિઓમાં અન્ય કોઈ વ્યક્તિઓ સાથે અથવા તો કોઈ પણ અન્ય નામોથી અથવા ઉપરોક્ત પરિસરમાં અમારા પ્રતિનિધિ હોવાનો દાવો કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ પણ ઑફરોનું મનોરંજન કરવાનું ટાળે.’
કાર્યક્રમો નિર્ધારિત સમયે થશે
શ્રી મલાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઍડ્વોકેટ પીયૂષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બંને સંસ્થા વચ્ચે ઘણાં વર્ષોથી મિલકત અને વહીવટની બાબતમાં વિવાદ ચાલી રહ્યો છે. અત્યારે શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમયે જ પાયધુનીના શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ચૅરિટીઝ તરફથી પહેલાં નોટિસ અને ત્યાર પછી કોર્ટમાં રિસીવરની માગણી કરતી અરજી કરવામાં આવતાં મલાડના જૈન સમાજમાં હલચલ મચી ગઈ હતી. જોકે કોર્ટ દ્વારા મલાડ જૈન સંઘની તરફેણમાં આદેશ આપીને શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ચૅરિટીઝને શતાબ્દી મહોત્સવમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કે અવરોધો ઊભા નહીં કરવાનું કહેવામાં આવ્યું હતું. એનાથી મારા અસીલ મલાડ જૈન સંઘ ત્રીજી મેથી ૧૧ મે સુધી તેમના શતાબ્દી મહોત્સવની ઉજવણી તેમની આમંત્રણપત્રિકા પ્રમાણે બધા જ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે નિર્ધારિત સમયે કરી શકશે.’
અમારી વચ્ચે સમાધાન થઈ ગયું છે
અમારી વચ્ચેનો વિવાદ કોઈ ગંભીર મામલો નથી એવી જાણકારી આપતાં શ્રી મલાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સક્રિય કાર્યકર પ્રજ્ઞેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ પછી અમારા તરફથી શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ચૅરિટીઝના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓને શતાબ્દી મહોત્સવી ઉજવણીમાં હાજરી આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના તરફથી તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે એમ કહેવામાં આવ્યું છે. આથી અમારી મુંબઈ અને દેશભરના સમગ્ર જૈન સમાજને અને સંઘોને અપીલ છે કે અમારા શતાબ્દી મહોત્સવના બધા કાર્યક્રમો નિર્ધારિત સમયે યોજાશે. એમાં આપ સૌએ કોઈ પણ જાતના દ્વેષભાવ અને હિચકિચાટ વગર હાજરી આપીને આ ધાર્મિક મહાત્સવને શાનદાર બનાવવાનો છે.’
આ બાબતમાં શ્રી ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ ઍન્ડ ચૅરિટીઝના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓનો તથા ઍડ્વોકેટનો સ્પષ્ટતા કરવા માટે ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જ પ્રત્યુત્તર મળ્યો નહોતો.
શતાબ્દી મહોત્સવના કાર્યક્રમો
મલાડ રેલવે સ્ટેશનની સામે જ આવેલું શ્રી દેવકરણ જૈન દેરાસર વિક્રમ સંવત ૧૯૭૯ની વૈશાખ સુદ છઠે આચાર્ય શ્રી વિજય જયસિંહસૂરિજી મહારાજની નિશ્રામાં સૌરાષ્ટ્ર વંથલીના શેઠ શ્રી સંઘવી દેવકરણ મૂળજી તથા તેમનાં ધર્મપત્ની પૂતળીબાઈએ નિર્માણ કરાવ્યું હતું. ધીરે-ધીરે પરિસરમાં આયંબિલ શાળા અને ઉપાશ્રય નિર્માણ પામ્યાં હતાં. પ્રતિષ્ઠાનાં ૭૭ વર્ષે જીર્ણ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો. વિક્રમ સંવત ૨૦૫૭ની કારતક વદ છઠે નૂતન જિનબિંબો, દેવ-દેવી પ્રતિમા આદિની પ્રતિષ્ઠા થઈ હતી. પ્રતિષ્ઠાના દિવસે છ દીક્ષા થઈ હતી. આ વર્ષે જિનાલયની પ્રતિષ્ઠાનાં સો વર્ષ પૂરાં થાય છે. આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મલાડ-વેસ્ટની વારાણસી નગરી, રાજે શહાજી ક્રીડાંગણ, શિવાજી ચોકમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. એમાં શ્રી વિજય શ્રમણચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિની પ્રેરણાથી શ્રી સંઘે શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુનાં જિનબિંબ તેમ જ શ્રી અંબિકાદેવી, શ્રી મહાલક્ષ્મીદેવીનાં બિંબની પ્રતિષ્ઠા કરવામાં આવશે. રવિવાર, ૩૦ એપ્રિલે ૧૦૦મી ધજાના ચઢાવા, અન્ય ધજાઓની તથા આયંબિલ શાળા આદિના ચઢાવા બોલવામાં આવશે. પહેલી મેએ શાસનવંદના, બીજી મેએ શ્રી મહાલક્ષ્મી પૂજા, ત્રીજી મેએ કુંભસ્થાપના, જવારારોપણ, દીપકસ્થાપના થશે. ચોથી મેએ અઠાર અભિષેક, પાંચમી મેએ સંઘનાયક મહાપુરુષોનું સ્મરણ, છઠ્ઠી મેએ બહેનોની સાંજી/મેંદી, સાતમી મેએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જૈન મહોત્સવ, આઠમી મેએ વિધવિધ ગીતો–રાગો, વાજિંત્રોથી સભર શ્રી વાજિંત્રપૂજા, નવમી મેએ પાર્શ્વનાથ પ્રાચીન તીર્થ/ધજા વધામણાં, ૧૦ મેએ સ્ફુલિંીગ મંત્ર જાપ અનુષ્ઠાન અને ૧૧ મેએ પ્રતિષ્ઠા અને શતાબ્દી ધજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.