એન્કાઉન્ટર કરનારી પોલીસને ઇનામ જાહેર કરનારાં શર્મિલા ઠાકરેએ હવે કહ્યું...રાજ ઠાકરેનાં પત્નીએ કહ્યું કે કાયદાનો ડર ઊભો થવો જ જોઈએ જેથી કોઈ ગુનો કરવાનું વિચારે પણ નહીં
એન્કાઉન્ટરમાં જેને ગોળી વાગી હતી એ અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર નીલેશ મોરે થાણેની જુપિટર હૉસ્પિટલમાં ઍડ્મિટ છે જેની શર્મિલા ઠાકરેએ ગઈ કાલે મુલાકાત કરી હતી.
બદલાપુરની સ્કૂલની બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરનારા આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર કરનારા બે પોલીસ અધિકારીને ૫૧-૫૧ હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરનારાં રાજ ઠાકરેનાં પત્ની શર્મિલા ઠાકરે ગઈ કાલે આ ઘટનામાં ઘાયલ થયા બાદ સારવાર લઈ રહેલા પોલીસને થાણેની જુપિટર હૉસ્પિટલમાં મળ્યાં હતાં. બાદમાં શર્મિલા ઠાકરેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એન્કાઉન્ટર કરવા બદલ પોલીસને અભિનંદન. જાણીજોઈને એન્કાઉન્ટર કર્યું હોય તો પોલીસને ડબલ અભિનંદન. એન્કાઉન્ટર ખરું હોય કે ફેક, મહિલા પર આટલો અત્યાચાર વધી રહ્યો છે. જ્યાં સુધી કાયદાનો ડર ઊભો નહીં થાય ત્યાં સુધી બળાત્કાર થતા જ રહેશે. આથી આવાં એન્કાઉન્ટર થવાં જ જોઈએ. પોલીસે એક નરાધમને ખતમ કર્યો છે એટલે હું પોતે પોલીસને અભિનંદન આપવા આવી છું.’
શર્મિલા ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે ‘હું કોઈ રાજકીય પક્ષ કે રાજ ઠાકરેનાં પત્ની તરીકે નહીં, એક મહિલા તરીકે તમામ મહિલાઓ માટે બોલી રહી છું. દરરોજ અખબારોમાં મહિલાઓ પર અત્યાચારના સમાચાર વાંચીને મહિલાઓમાં અસુરક્ષિતાની ભાવના ઊભી થઈ છે. મહિલાઓ પર માત્ર બળાત્કાર જ ન થતાં હિંસાની સાથે તેમની હત્યા પણ થઈ રહી છે. આ વાત જરાય સ્વીકારવા જેવી નથી. આથી જ તમામ મહિલાઓ વતી મેં પોલીસનું અભિનંદન કર્યું છે.’