બળવો કરીને ચૂંટણી જીતેલા જુન્નરના વિધાનસભ્યની પોસ્ટર દ્વારા માગણી
તસવીર : સૈયદ સમીર અબેદી
શરદ સોનાવણે પોતાની ડિમાન્ડનું પોસ્ટર લઈને કાલે વિધાનભવનનાં પગથિયાં પર બેસી ગયા હતા, તેમનું કહેવું છે કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મભૂમિનું સન્માન કરવા પ્રધાનમંડળમાં સ્થાન મળવું જોઈએ
વિધાનસભાના ત્રણ દિવસના સ્પેશ્યલ સેશન દરમ્યાન ગઈ કાલે જુન્નર બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા શરદ સોનાવણે વિધાનભવનનાં પગથિયાં પર એક પોસ્ટર લઈને બેઠા હતા. જોકે આ પોસ્ટર વિધાનસભ્યો અને લોકો માટે ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. એમાં તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન પાસે પ્રધાનપદની માગણી કરી હતી. તેમનું કહેવું છે કે શિવાજી મહારાજની જન્મભૂમિનું સન્માન કરવા મહાયુતિએ મને પ્રધાનમંડળમાં સ્થાન આપવું જોઈએ એટલું જ નહીં, તેમણે યશવંતરાવ ચવાણની પણ બધાને યાદ અપાવીને પોસ્ટરમાં લખ્યું હતું કે યશવંતરાવે પણ શિવનેરી કિલ્લા પરથી રાજકીય કારર્કિદીની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના તેઓ એકમાત્ર વિધાનસભ્ય હતા. ૨૦૧૯માં તેઓ શિવસેનામાંથી ચૂંટણી લડ્યા હતા અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અતુલ બેનકે સામે હાર્યા હતા. આ વખતે અપક્ષ ઊભા રહીને તેમણે અતુલ બેનકે સહિતના ઉમેદવારોને હરાવ્યા હતા. શિવસેનાના ભાગલા પડ્યા બાદ શરદ સોનાવણે એકનાથ શિંદે સાથે ગયા હતા. જોકે વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના ફાળે જતાં બળવો કરીને તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. પરિણામના દિવસે જીતના સમાચાર આવતાં એકનાથ શિંદેએ તેમને મુંબઈ લાવવા માટે હેલિકૉપ્ટર મોકલાવ્યું હતું.

