બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શરદ પવારના રાજીનામાને નાટક ગણાવીને ટીકા કરી
ફાઇલ તસવીર
એનસીપીના ચીફ શરદ પવારે પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ ત્રણ દિવસમાં પાછું ખેંચી લીધું હતું. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આને પવાર-પરિવારનું નાટક ગણાવ્યું હતું અને શરદ પવાર પર ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે અધ્યક્ષપદ મેળવવા માટે બંધારણ બદલ્યું હતું એટલે તેઓ ક્યારેય પદ નહીં છોડે અને બીજા કોઈને અધ્યક્ષ નહીં બનવા દે.
ગઈ કાલે ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કર્મવીર ભાઉરાવ પાટીલે સ્થાપેલી રયત શિક્ષણ સંસ્થાના બંધારણમાં ફેરફાર કરીને શરદ પવાર અધ્યક્ષ બન્યા હતા. આવી અનેક શિક્ષણ સંસ્થા અને સહકારી સંસ્થાના બંધારણમાં ફેરફાર કરીને શરદ પવાર અધ્યક્ષ બન્યા છે. આથી જેમણે ૫૦ વર્ષ રાજકારણમાં વિતાવ્યાં અને એનસીપીની સ્થાપના કરી. તેઓ કઈ રીતે બીજાને અધ્યક્ષપદ આપે? તેઓ ક્યારેય પોતાના સિવાય બીજાને આ પદ નહીં સોંપે. રયત શિક્ષણ સંસ્થા તો એક ઉદાહરણ છે. આવાં પચાસ નામ આપી શકાય છે. પક્ષપ્રમુખપદનું રાજીનામું એક નાટક હતું. બધું પહેલેથી નક્કી હતું.’
ADVERTISEMENT
શિવસેના સત્તાસંઘર્ષનો આ અઠવાડિયે ચુકાદો આવવાની શક્યતા છે. ચુકાદો સરકારના વિરોધમાં આવશે અને ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરશે તો શું થશે? એના જવાબમાં બાવનકુળેએ કહ્યું કે ‘વિધાનસભામાં જો બહુમત પુરવાર કરવાનું આવશે તો મારો દાવો છે કે ૧૮૪થી વધુ વિધાનસભ્યોનો બહુમત અમારી પાસે છે. આથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં ઑક્ટોબર ૨૦૨૪ સુધી અમારી સરકાર ટકશે અને આગામી વિધાનસભાની ચૂંટણી બીજેપી-શિવસેનાની યુતિમાં જ લડાશે અને ૨૦૦થી વધુ બેઠક અમે મેળવીશું.’
શરદ પવાર વારસદાર ઊભા ન કરી શક્યા
એનસીપીમાં પક્ષપ્રમુખ બાબતે હમણાં ડ્રામા પૂરો થયો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર ‘સામના’માં શરદ પવારની આ બાબતે ટીકા કરવામાં આવી છે. ગઈ કાલના અંકમાં લખવામાં આવ્યું હતું કે શરદ પવાર રાષ્ટ્રીય સ્તરે મોટા નેતા છે, પણ તેઓ પક્ષમાં પોતાના વારસદાર ઊભો કરવામાં નિષ્ફળ ગયા છે. શરદ પવારે તેમના ‘લોક માઝે સાંગાતી’ પુસ્તકમાં ઉદ્ધવ ઠાકરેને નિષ્ફળ મુખ્ય પ્રધાન કહ્યા છે અને ઉમેર્યું છે કે ઉદ્ધવ પરિપક્વ નેતા નથી. શરદ પવારની આ ટીકાથી ઉદ્વવ ઠાકરે જૂથમાં નારાજગી પ્રસરી હતી. આથી ‘સામના’ના માધ્યમથી ગઈ કાલે શરદ પવાર ઉત્તરાધિકારી નીમવામાં નિષ્ફળ રહ્યા હોવાની ટીકાથી જવાબ આપવામાં આવ્યો હોવાનું જણાઈ આવે છે.
શિંદે ગ્રુપની બૅગ પર નજર રાખવાની જરૂર હતી
‘સામના’માં શરદ પવાર પોતાના ઉત્તરાધિકારી નીમવામાં નિષ્ફળ રહ્યા હોવાની ટીકા કરવામાં આવી છે એ વિશે એનસીપીના નેતા છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘એનસીપીમાં શરદ પવાર બાદ સુપ્રિયા સુળે, અજિત પવાર અને જયંત પાટીલ જેવાં સક્ષમ નેતાઓ છે. આથી કોઈએ એનસીપીની ચિંતા કરવાની જરૂર નથી. એનસીપીને બદલે તેમણે એકનાથ શિંદે અને ગ્રુપની બૅગ પર નજર રાખી હોત તો આજની સ્થિતિ ન ઊભી થઈ હોત. સંજય રાઉત એનસીપી પર ટીકા કરીને મહા વિકાસ આઘાડીમાંથી એનસીપીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ ફરી મુખ્ય પ્રધાન બનશે?
શિવસેના સત્તાસંઘર્ષનો સુપ્રીમ કોર્ટ ગમે ત્યારે ચુકાદો આપી શકે છે ત્યારે રાજ્યના રાજકારણમાં સસ્પેન્સ વધી રહ્યું છે. બે દિવસ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ફરી કહ્યું હતું કે હું ફરી આવીશ. કોલ્હાપુરના એક કાર્યક્રમમાં તેમણે આવું કહ્યું હતું. તેમનું આ નિવેદન કંઈક ઊથલપાથલ થવાનો સંકેત તો નથીને એવો સવાલ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટ એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવશે તો તેમનું મુખ્ય પ્રધાનપદ જશે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સરકાર અસ્તિત્વમાં આવવાની શક્યતા છે. અત્યારની સરકારમાં ૧૬ વિધાનસભ્યો ઓછા થાય તો પણ બહુમતીનો આંકડો છે એટલે એ તૂટશે નહીં, પણ મુખ્ય પ્રધાનપદમાં ફેરફારની શક્યતા છે.
શરદ પવાર મુંબઈમાં નીતીશકુમારને મળશે
દેશને અત્યારે કેન્દ્રની બીજેપીની આગેવાનીની સરકારના પર્યાયની જરૂર છે એટલે ૧૧ મેએ મુંબઈ આવી રહેલા બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને મળશે, એમ એનસીપીના ચીફ શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું. પક્ષપ્રમુખપદ ફરીથી સંભાળ્યા બાદ શરદ પવાર હવે કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે. શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘મને સંદેશો મળ્યો છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ૧૧ મેએ મુંબઈ આવી રહ્યા છે. હું તેમને મળીશ. કેન્દ્રમાં બીજેપીની આગેવાનીની સરકારના વિકલ્પ માટે હું વિરોધી પક્ષના નેતાઓને મળીશ. આ માટે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, નીતીશકુમાર અને બીજા નેતાઓએ સાથે આવવાની જરૂર છે.’
બીજેપીએ ઇન્સ્પેક્ટરમાંથી હવાલદાર બનાવ્યા
નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે એનસીપી પર આકરી ટીકા કરતાં કહ્યું હતું કે આ પક્ષ માત્ર સાડાત્રણ જિલ્લાનો છે. એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે જવાબ આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘બીજેપીએ તમને ઇન્સ્પેક્ટરમાંથી હવાલદાર બનાવ્યા, તમે અમારું આકલન કરશો? દેવેન્દ્ર ફડણવીસે એનસીપીને સાડાત્રણ જિલ્લાનો પક્ષ કહ્યો છે. જોકે બીજેપીએ તેમને મુખ્ય પ્રધાનમાંથી નાયબ મુખ્ય પ્રધાન બનાવી દીધા છે. શરદ પવારના ઝંઝાવાતમાં ૨૦૨૪માં એનસીપી રાજ્યનો સૌથી મોટો પક્ષ બનશે.’