મહારાષ્ટ્રની રાજનીતિના કદાવર નેતા શરદ પવારને ભત્રીજા અજિત પવારે આપી માત : બારામતીમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એક લાખથી વધારે મતથી જીત્યા
શરદ પવાર
ગઈ કાલનું મહારાષ્ટ્ર વિધાનસભાનું રિઝલ્ટ મહા વિકાસ આઘાડી માટે તો આઘાતજનક હતું જ, પણ એ એનાથી પણ વધારે ચિંતાજનક બની ગયું છે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર)ની પાર્ટી માટે. એમાં પણ રાજ્યના સૌથી કદાવર માનવામાં આવતા મરાઠા નેતા શરદ પવાર માટે, કારણ કે પોતાની છ દાયકાની પૉલિટિકલ કરીઅરમાં પહેલી વાર આવા દારુણ પરાભવનો સામનો તેમણે કરવો પડ્યો છે.
શરદ પવારની પાર્ટી ૮૭ બેઠક પર ચૂંટણી લડી હતી અને એને ૫૦થી વધારે બેઠકો પર જીતની આશા હતી, પણ માત્ર દસ જ સીટ પર તેમના ઉમેદવારોનો વિજય થયો હતો. આ એ જ પાર્ટી છે જેનો લોકસભામાં સ્ટ્રાઇક-રેટ ૮૦ ટકા હતો અને જે ગઈ કાલના રિઝલ્ટ બાદ માત્ર ૧૨ ટકા જેટલો રહ્યો હતો. શરદ પવારે સપનામાં પણ આવી હારની કલ્પના નહીં કરી હોય એવું તેમની જ પાર્ટીના એક નેતાએ કહ્યું હતું.
ADVERTISEMENT
૨૦૧૯ની ચૂંટણીમાં અવિભાજિત રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને ૫૪ બેઠકો મળી હતી. જોકે ત્યાર બાદ લોકસભાની ચૂંટણીમાં લોકોની વચ્ચે જઈને મરાઠા નેતાએ ખાસ્સીએવી લોકપ્રિયતા હાંસલ કરી હતી અને આ જ કારણસર તેમની પાર્ટીને ૮ બેઠકો મળી હતી. ત્યારે ફરી એક વાર બધા કહેવા લાગ્યા હતા કે શરદ પવારની ગમે એટલી ઉંમર થઈ હોય, પણ રાજકારણમાં તેમને માત આપવી શક્ય નથી. જોકે આ કામ તેમના જ હાથે લોકસભામાં પછડાટ ખાઈ ચૂકેલા તેમના ચેલા, ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી બતાવ્યું છે.
બારામતીમાં શરદ પવારે અજિત પવારની સામે તેમના જ ભત્રીજા યુગેન્દ્ર પવારને ઊભો કરીને તેના માટે જબરદસ્ત પ્રચાર કર્યો હતો એટલું જ નહીં, પોતાની પૉલિટિકલ કરીઅરમાં પહેલી વાર તેમણે તેમનાં પત્ની પ્રતિભા પવારને પણ પ્રચારમાં ઉતાર્યાં હતાં; પણ લોકોએ આ વખતે અજિત પવારની વાત સાંભળી હોવાનું પરિણામ પરથી સ્પષ્ટ થાય છે. તેમણે યુગેન્દ્ર પવારને બારામતીની બેઠક પર એક લાખ જેટલા મતથી હાર આપી હતી.
પહેલી વાર ભાષા પરનો સંયમ ગુમાવ્યો
આ ચૂંટણીમાં પહેલી વાર શરદ પવારે કલ્પના બહારનું જોર લગાવ્યું હતું એટલું જ નહીં, પાંચ દસકથી પણ વધારે સમયથી રાજકારણ કરી રહેલા મરાઠા નેતાએ પહેલી વાર ભાષા પરનો સંયમ પણ ગુમાવ્યો હતો. એક સમયના તેમના વિશ્વાસુ અને પર્સનલ અસિસ્ટન્ટ રહી ચૂકેલા દિલીપ વળસે પાટીલ અજિત પવાર સાથે ગયા હોવાથી તેમને હરાવવા માટે તેમણે અંબેગાંવમાં લીધેલી સભામાં દિલીપ વળસે પાટીલને પાડા... પાડા... પાડા... (હરાવવાને મરાઠીમાં પાડા કહેવાય છે) કહ્યું હતું. જોકે જે સંદર્ભમાં તેમણે આ કહ્યું હતું એ ક્લિપ એવી જોરદાર વાઇરલ થઈ હતી કે તેમની પાર્ટીને લાગતું હતું કે સાતારામાં વરસાદમાં ભીંજાઈને ચૂંટણીસભાને સંબોધીને જે રીતે તેમણે આખો મહોલ બદલી દીધો હતો એવો જ ફાયદો અંબેગાંવની સભાને લીધે થશે, પણ એવું કંઈ ન થયું અને દિલીપ વળસે પાટીલનો આ બેઠક પર વિજય થયો હતો.