અત્યારના છ માળના આ સ્ટ્રક્ચરમાં કિંગ ખાન ૬૧૬ સ્ક્વેર મીટરનું બાંધકામ કરવા માગે છે અને એ માટે તેણે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી પાસે પરમિશન માગી છે
મન્નત ખાતે ચાહકોનું અભિવાદન કરતો શાહ રૂખ ખાન
બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડ પર આવેલા શાહરુખ ખાનના બંગલા મન્નત પર વધુ બે માળ ચણવા માટે ગૌરી ખાને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેન્જમેન્ટ ઑથોરિટી પાસે પરવાનગી માગી છે. મન્નતમાં હાલ બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર છ માળનું બાંધકામ છે. શાહરુખ ખાને એના ઉપર બે માળનું ૬૧૬.૦૨ સ્ક્વેર મીટર જેટલું બાંધકામ કરવાની પરવાનગી માગી છે.
શાહરુખ જ્યારે વર્ષો પહેલાં તેની ‘યસ બૉસ’ ફિલ્મનું બૅન્ડ-સ્ટૅન્ડ પર શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને આ જૂના જમાનાનો જાજરમાન એવો ૧૯૧૪માં બંધોયેલો નરીમાન દુભાષનો ‘વિલા વિયેના’ બંગલો ગમી ગયો હતો. એ બંગલો ગ્રેડ થ્રી હેરિટેજ ટૅગ ધરાવતો હતો. તેણે આ બંગલો ૨૦૦૧માં ખરીદ્યો હતો. જોકે એ જ વખતે તેને કહી દેવાયું હતું કે તે એના હેરિટેજ સ્ટ્રક્ચરમાં વધુ ફેરફાર નહી કરી શકે. શાહરુખે એ બંગલો ખરદી લીધો અને નામ આપ્યું મન્નત. એ પછી તેણે એની પાછળ છ માળનું મન્નત ઍનેક્સ ઊભું કર્યું હતું.